સુરત (Surat) માં ગ્રીષ્મા વેકરિયાના હત્યા કેસ (Grishma murder case) માં આરોપી સામેની અંતિમ દલીલો પૂર્ણ થતાં શનિવારના રોજ કોર્ટ આરોપી સામેનો ચુકાદો (Judgment) જાહેર કરી શકે છે. સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા અને બચાવ પક્ષે એડવોકેટ ઝમીર શેખની દલીલો બાદ કોર્ટે ચુકાદા માટે શનિવાર 16મી એપ્રિલની મુદત આપી હતી. નોંધનીય છે કે આરોપી સામે કુલ 105 સાહેદોએ જુબાની આપી હતી. 12મી ફેબ્રુઆરીના રોજ આરોપી ફેનિલ ગોયાણીએ ગ્રીષ્મા વેકરિયાના ગળા પર ચપ્પુ ફેરવી દીધુ હતુ. પહેલાં આરોપીએ ગ્રીષ્માને પકડી રાખી હતી.
જ્યારે ગ્રીષ્માની જાહેરમાં હત્યા કરી નાખવામાં આવી ત્યારે અનેક લોકો ત્યાં ઉપસ્થિત હતા છતા કોઈએ બચાવવાનો પ્રયાસ કર્યો નહતો. હત્યા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી અને પોલીસે અઠવાડિયાની અંદર જ ચાર્જશીટ રજૂ કરી હતી બાદમાં આરોપી સામેની ટ્રાયલ પણ ઝડપથી શરૂ થઈ ગઈ હતી.
ઘટનાને નજરે જોનારા સાક્ષી, એફએસએલ રિપોર્ટ, મેડિકલ પુરાવા, મોબાઇલ ફોન રેકોર્ડિંગ ઉપરાંત ઘાયલ થનારાઓની જુબાની વગેરે પુરાવા સરકાર પક્ષે રજૂ કરવામાં આવ્યા હતા. બચાવ પક્ષે સ્થળ પંચનામુ નથી થયુ,ઉપરાંત પીએમ કોઈ અન્ય જ બોડીનું કરવામાં આવ્યુ હોવાનો બચાવ લેવામાં આવ્યો હતો. અંતિમ દલીલો બાદ કોર્ટે 16મી એપ્રિલના રોજની મુદત આપી હતી.
હત્યારાને કડક સજા કરવા માંગ
હત્યારો ફેનિલ ગ્રીષ્માને એક તરફી પ્રેમ કરતો હોવાથી તે વારંવાર ગ્રીષ્માનો પીછો કરતો હતો. પંરતુ ગ્રીષ્માને આ વાત નાપસંદ હોવાથી તેને આ અંગે પરિવારને જાણ પણ કરી હતી. 12મી ફેબ્રુઆરીએ જ્યારે ગ્રીષ્માના મોટાબાપા અને તેને ભાઈ ફેનિલને ઠપકો આપવા ગયા ત્યારે હત્યારા ફેનિલે તેમની સાથે મારપીટ કરી હતી. જેથી ગ્રીષ્મા બચાવવા વચ્ચે પડી ત્યારે ફેનિલે તેને પકડીને છરીથી તેનુ ગળુ કાપી હત્યા કરી દીધી હતી. જે બાદ ગુજરાતભરમાંથી હત્યારાને કડક સજા થયા તેવી માંગ ઉઠી હતી. આજના કોર્ટના ચુકાદાથી પરિવાર યોગ્ય ન્યાય અને કડક સજાની માંગ કરી રહ્યો છે.