Captain Meera Dave: ‘સફળતા જીવનની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી…’ કવિશ્રી બરકત વિરાણી ‘બેફામ’ રચિત આ પંક્તિઓને યથાર્થભાવે ચરિતાર્થ કરે છે સુરતની પ્રથમ ગુજરાતી મહિલા આર્મી ઓફિસર(વેટરન) કેપ્ટન મીરા દવે. દેશની હજારો-લાખો મહિલાઓ માટે મિસાલરૂપ કેપ્ટન મીરાએ બાળપણમાં માત્ર ૯ વર્ષની ઉંમરે સેવેલા દેશ રક્ષાના સ્વપ્નને સાકાર કરી ન માત્ર દેશનું બલકે ગુજરાતનું માથું ગર્વથી ઉન્નત કર્યું છે, સાથોસાથ ગુજરાતી મહિલાઓના ગૌરવમાં પણ અભિવૃદ્ધિ કરી છે. ભારતીય સેનાના ‘આર્મી ઓર્ડીનન્સ કોરમાં જોડાયા બાદ લેફ્ટનન્ટથી કેપ્ટન સુધીની તેમની કારકિર્દી સૌના માટે પ્રેરણાદાયી છે.
દેશભરમાં 26 જૂલાઈએ કારગિલ વિજય દિવસ તરીકે ઉજવાય
‘દેશની રક્ષા માટે પહેરેલો યુનિફોર્મ સૈનિકોના શરીરનું જીવનપર્યંત અભિન્ન અંગ બની જાય છે’ આ વિધાન કરતા કેપ્ટન મીરાના જીવનમાં સમગ્ર દેશવાસીઓ માટે ગૌરવ, વીરતા અને વિજયનો દિવસ એવો ૨૬ જુલાઈ-કારગિલ વિજય દિન ખાસ મહત્વ ધરાવે છે.૧૯૯૯ના કારગિલ યુદ્ધમાં ‘ઓપરેશન વિજય’ દ્વારા પાકિસ્તાની સેના પર ઐતિહાસિક જીત હાંસલ કરતા ભારતીય સશસ્ત્ર દળોની બહાદુરી અને બલિદાનને બિરદાવવા ૨૬ જૂલાઈએ દેશભરમાં ‘કારગિલ વિજય દિવસ’ અથવા ‘વિજય દિન’ તરીકે ઉજવાય છે.
મૂળ સુરતના કેપ્ટન મીરાના આર્મી ઓફિસર બનવાના સ્વપ્નને કારગિલ યુદ્ધે મક્કમતાની કેડી કંડારી આપી. તમામ સંઘર્ષોને પાર કરી વર્ષ ૨૦૦૬ માં ૨૩ વર્ષની ઉંમરે કેપ્ટન મીરાએ ‘સુરતની પ્રથમ ગુજરાતી મહિલા’ આર્મી ઓફિસર તરીકે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લેફટનન્ટ તરીકે શપથ લીધા. ઝૂલોજીમાં સ્નાતક અભ્યાસ દરમ્યાન કેપ્ટન મીરાએ એન.સી.સી.ની તાલીમ લીધી અને બાયો ટેકનોલોજીમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી. ત્યારબાદ ઈન્ડિયન આર્મીમાં ઓફિસર તરીકે જોડાવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી.
આર્મીના પોસ્ટરો જોઈ આર્મી ઓફિસર બનવાનું સપનું જોતી
‘સુરતથી સરહદ સુધીની સફર’ ખેડનાર કેપ્ટન મીરા પોતાના અનુભવો વાગોળતા કહે છે કે, નાનપણમાં ચેન્નઈ ખાતે ઈન્ટરનેશનલ બોર્ડિંગ સ્કૂલમાં અભ્યાસ દરમ્યાન અવારનવાર ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમીની બહાર લાગેલા ‘જોઈન ઈન્ડિયન આર્મી’ના પોસ્ટરો જોઈ હું હંમેશા આર્મી ઓફિસર બનવાનું સપનું જોતી હતી. જે માટે ભણતર પૂરૂ કરવું અનિવાર્ય હોવાથી મેં શાળા બાદ સ્નાતક અને અનુસ્નાતકની ડિગ્રી મેળવી.
સુરતની પ્રથમ ગુજરાતી મહિલા આર્મી ઓફિસર (વેટરન) કેપ્ટન મીરા દવે
૧૯૯૯ના કારગિલ યુદ્ધથી મળેલી પ્રેરણા અને દેશદાઝ વિષે વાત કરતા કેપ્ટન મીરાએ કહ્યું કે, એ સમયે હું ૧૧મા ધોરણમાં અભ્યાસ કરતી હતી. પ્રિન્ટ-ઈલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી રોજે-રોજ કારગિલ યુદ્ધના સમાચાર સાંભળી દેશ માટે કંઈક કરી છૂટવાની મારી ઈચ્છા પ્રબળ બનતી ગઈ અને એટલે જ સ્નાતક અભ્યાસ દરમ્યાન એન.સી.સી.નું પ્રશિક્ષણ લીધું. કોલેજમાં એડમિશન મેળવી તેની તાલીમ શરૂ કરી દીધી. કેપ્ટન મીરા દવે, ૪ ગુજરાત એન.સી.સી બટાલિયનના પ્રથમ અને એકમાત્ર મહિલા આર્મી ઓફિસર બન્યા છે, અને તેઓ ૪ ગુજરાત એન.સી.સી બટાલિયનના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.
ઈન્ડિયન આર્મીમાં ઓફિસર બનવાની પ્રક્રિયા વિશે જણાવતા તેમણે કહ્યું કે, યુ.પી.એસ.સી.ની લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો પાંચ થી છ દિવસની સર્વિસ સિલેકશન બોર્ડ કે જેમાં દેશની રક્ષા કાજે સૈન્ય અધિકારી બનનાર ઉમેદવારની મન, વચન, અને કર્મ એમ ત્રણેય લેવલ પર ચકાસણી થાય છે. લાખો ઉમેદવારો યુ.પી.એસ.સી.ની પરીક્ષામાં બેસે છે, જેમાંથી, જૂજ ઉમેદવારો સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા રેક્કમન્ડ થાય છે.
કેપ્ટન મીરા દવેએ સંઘર્ષપૂર્ણ અનુભવો વર્ણવ્યા
પસંદગી જટિલ પ્રક્રિયા વિષે જણાવતા તેમણે કહ્યું કે, પ્રથમ પ્રયાસે મારા રેકમેન્ડેશન બાદ શારીરિક પરીક્ષણ માટે મારી પસંદગી થઈ હતી. માથાના વાળથી લઈ પગના નખ સુધી તમામ અંગોની શારીરિક ચકાસણી થવાની સાથે જ ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં અડગ માનસિક ક્ષમતાની પણ આકરી કસોટી કરવામાં આવે છે. જેમાં હું સાંગોપાંગ ઉત્તીર્ણ થતા ચેન્નઈ સ્થિત ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમીમાં સખત ટ્રેનિંગ બાદ વર્ષ ૨૦૦૬માં લેફટનન્ટ તરીકે પદગ્રહણ કરી રાજસ્થાન બોર્ડર પર લાલગઢ ચટ્ટામાં પ્રથમ પોસ્ટિંગ સાથે કારકિર્દીની શરૂઆત કરી. આકરી ગરમીમાં પ્રથમ પોસ્ટિંગ બાદ જબલપુર, પૂના, લેહ લદ્દાખ, કશ્મીરમાં અલગ અલગ સ્થળે ફરજ બજાવી હતી, જેના સંઘર્ષપૂર્ણ અનુભવો તેમણે વર્ણવ્યા હતા.
ભારતીય સેનાના ‘આર્મી ઓર્ડીનન્સ કોર’માં જોડાયા બાદ લેફ્ટનન્ટથી કેપ્ટન સુધીની કારકિર્દીના તેમના અનુભવો યાદગાર અને રસપ્રદ છે. તેમણે વર્ષ ૨૦૦૭થી ૨૦૦૯ માં કશ્મીરના બારામુલ્લામાં કરેલા ‘ઓપરેશન સદ્દભાવના’ વિષે જણાવ્યું હતું. જેમાં આતંકવાદનો ભોગ બની પોતાના ભાઈ, પિતા, પુત્ર કે પતિ ગુમાવ્યા હોય એવી કશ્મીરની પીડિત મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવાનો હેતુ સાથે આવી ૭ કાશ્મીરી મહિલાઓને વિશ્વાસમાં લઈ તેઓને લખનૌની ઉષા એકેડમીમાં ફેશન ડિઝાઈનિંગના સર્ટિફિકેટ કોર્સ માટે મોકલી. પ્રશિક્ષિત થઈને પરત ફરેલી આ મહિલાઓએ અન્ય મહિલાઓને શિક્ષિત કરી. આવી ૧૫૦ મહિલાઓને ભારતીય સેના દ્વારા સિલાઈ મશીન અપાવી આત્મનિર્ભર બનાવી હતી. જે માટે મને ‘ગોલ્ડ મેડેલિયન ઍવોર્ડ’થી સન્માનિત કરાઈ હતી એમ તેમણે ઉમેર્યું હતું.
આર્મી ઓફિસર તરીકેની વિશેષતાઓ અંગે તેમણે કહ્યું કે, ‘આર્મી એક વ્યવસાય નહીં, પણ જીવન જીવવાની અદભૂત કળા શીખવતું શિક્ષણકેન્દ્ર છે’. શોર્ટ સર્વિસ કમિશન થકી દેશસેવાના વર્ષોને જીવનના સૌથી સુવર્ણ વર્ષો ગણાવતા કેપ્ટન મીરા તેમની પ્રગતિનો શ્રેય માતા પિતાના સાથ સહકાર અને પતિના માર્ગદર્શનને આપે છે.
આર્મીમાં સેવા આપ્યા બાદ કેપ્ટન મીરાએ વિશ્વપ્રસિદ્ધ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ-અમદાવાદ (IIM, Ahmedabad)માં શિક્ષણ મેળવી કોર્પોરેટ સેકટરમાં સેવા આપી અને હવે સુરત ખાતે જ સ્થાયી થઈ પતિ સિદ્ધાર્થ દવે સાથે DMP સિક્યુરિટી કંપની અને માર્ક સક્સેસ પ્રા.લિ. ગ્લોબલ એજ્યુકેશન કંપનીનું સંચાલન કરે છે.
કેપ્ટન મીરા કહે છે કે, દેશના દરેક નાગરિકે દેશની પ્રગતિ અને સુરક્ષાના ધ્યેય સાથે સરહદની અંદરનો સિપાહી બની પોતાની આસપાસ બનતી ઘટનાઓ માટે સતર્ક અને જવાબદાર બનવાનો અનુરોધ કર્યો હતો અને એકતાને જ તાકાત બનાવી ભારતને તમામ મુશ્કેલીઓથી બચાવી સાચા અર્થમાં નાગરિક ધર્મનું પાલન કરવાની અપીલ કરી હતી.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube