- સુરતમાં AAP નાં કોર્પોરેટર વિપુલ સુહાગિયાની ધરપકડ
- વિપુલ સુહાગિયા સામે ACB માં ફરિયાદ નોંધાઈ હતી
- પુણા વિસ્તારમાં પાર્કિંગ બાબતે પૈસાની માંગણી કરી હોવાનો આરોપ
- SMC નાં પાર્કિંગમાં કોન્ટ્રાક્ટર પાસે રૂપિયા માંગ્યાનો આક્ષેપ
સુરતમાંથી (Surat) એક મોટા સમાચાર આવ્યા છે.ઇમાનદાર પાર્ટી હોવાનો દાવો કરતી આમ આદમી પાર્ટી(AAP)ના જ સુરતના બે કોર્પોરેટર જિતુ કાછડિયા અને વિપુલ સુહાગિયા સામે 10 લાખની લાંચ(Corruption) માગવા મામલે ACBમાં ગુનો નોંધાયો છે. બન્ને કોર્પોરેટરે મલ્ટીલેવલ ‘પે એન્ડ પાર્ક’ના કોન્ટ્રેક્ટરે શાકભાજી માર્કેટની જગ્યામાં દબાણ કર્યું હોવાનું જણાવી કોન્ટ્રેક્ટ રદ કરાવવાની ધમકી આપી 10 લાખની લાંચની માગ કરી હતી. હાલ વિપુલ સુહાગિયાને ઝડપી લેવામાં આવ્યો છે અને જિતુ કાછડિયા ફરાર છે.
10 લાખનો ખેલ પાડવા બંને કોર્પોરેટરે પે એન્ડ પાર્કની જગ્યાની મુલાકાત લીધી
મળતી માહિતી મુજબ સુરતના મગોબ ગામની સીમમાં આવેલા મલ્ટી લેવલ પે એન્ડ પાર્ક આવેલું છે. આ પે એન્ડ પાર્કની સુવિધા વાળી જગ્યાની બાજુમાં મહાનગર પાલિકા દ્વારા શાકભાજી માર્કેટની પણ જગ્યા ફાળવવામાં આવી હતી. દરમ્યાન પુણાના વોર્ડ નબર 16 અને 17ના કોર્પોરેટર જીતુ ઉર્ફે જીતેન્દ્ર પાંછાભાઈ કાછડિયા અને વિપુલભાઈ વસરામભાઈ સુહાગીયાએ આ પે એન્ડ પાર્કની સુવિધા વાળી જગ્યાની મુલાકાત લીધી હતી તે દરમ્યાન કોન્ટ્રાકટરને શાકભાજી માર્કેટની કોર્પોરેશનની જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરેલાનું જણાવી આ અંગે પોલીસ ફરિયાદ કરવાની અને કોન્ટ્રકટ રદ કરાવી દેવાની ધમકી આપી હતી.
સુરત મહાનગરપાલિકાના બે કોર્પોરેટર જીતુ ઉર્ફે જીતેન્દ્ર પાંછાભાઈ કાછડીયા અને વિપુલભાઈ વસરામભાઈ સુહાગીયા વિરુદ્ધ રૂ।.૧૦ લાખની લાંચની માંગણી અંગેનો ગુનો દાખલ કરતી એ.સી.બી.
Dial 1064@sanghaviharsh @Shamsher_IPS @InfoGujarat#ACBGujarat #Gujarat #FightAgainstCorruption #CareProgram
— ACB Gujarat (@ACBGujarat) September 3, 2024
કોન્ટ્રાક્ટ રદ ન કરાવવા 11 લાખ આપવા પડશે
આ અંગે કોન્ટ્રાકટર પાસે માફીપત્ર પણ લખાવ્યું હતું અને ત્યારબાદ આ બંને કોર્પોરેટરએ જો આ કાર્યવાહીથી એટલે કે કોન્ટ્રાકટ રદ કરવામાંથી બચવું હોય તો 11 લાખ રૂપિયા આપવા પડશે તેવી માંગણી કરી હતી. આ અંગે બંને કોર્પોરેટરોએ કોન્ટ્રાકટર સાથે રૂબરૂમાં તથા મોબાઈલ ફોન પર લાંચની માંગણી અંગેની વાતચીત કરી હતી અને રકઝકના અંતે 10 લાખ આપવાનું નક્કી થયું હતું. આ સમગ્ર વાતચીતનું કોન્ટ્રાકટર દ્વારા રેકોડીંગ કરી લેવામાં આવ્યું હતું. આ વાતચીતમાં આરોપીઓ દ્વારા નાણા શબ્દને બદલે કોડવર્ડ તરીકે સાંકેતિક ભાષામાં ડોક્યુમેન્ટ આપવાના છે તેવો શબ્દ વાપરતા હતા જે અંગે વાતચીતમાં જ ડોક્યુમેન્ટ એટલે કે નાણા એવી સ્પસ્ટતા આરોપીઓ દ્વારા કરવામાં આવી હતી.
આરોપીઓનો જ અવાજ હોવાનું FSLમાં પ્રસ્થાપિત
આ અંગે કાયદાકીય જોગવાઇઓ અનુસાર ફરિયાદી તથા આરોપીઓનું FSL ખાતે ‘વોઇસ સ્પેક્ટોગ્રાફી’ પરીક્ષણ કરાવવામાં આવ્યું હતું. આ પરીક્ષણમાં રજૂ કરાયેલી CDમાં ફરિયાદી કોન્ટ્રેક્ટર તથા આરોપીઓના જ અવાજ હોવાનું FSL દ્વારા પ્રસ્થાપિત થયું અને આ અંગેનું પ્રમાણપત્ર આપ્યું છે. જેથી અરજીના આક્ષેપો એટલે કે આરોપીઓ દ્વારા કોન્ટ્રેક્ટર પાસે કરવામાં આવેલી 10 લાખની લાંચની માગણીને તપાસ દરમિયાન સંપૂર્ણપણે સમર્થન પ્રાપ્ત થયું હતું.
સુરત ACB દ્વારા કોર્પોરેટરની મોડી રાત્રે કરી ધરપકડ
આ સમગ્ર મામલે સુરત એન્ટીકરપ્શન બ્યૂરોના ACP આર.આર. ચૌધરીએ જણાવ્યું હતું કે, આ અરજીની વૈજ્ઞાનિક ઢબે તપાસ કરતાં મળેલા પુરાવાઓના આધારે આ બંને કોર્પોરેટર જિતુ ઉર્ફે જિતેન્દ્ર પાંછાભાઇ કાછડિયા અને વિપુલ વશરામભાઇ સુહાગિયા સામે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ગુનો બનતો હોવાનું ફલિત થતાં આ અંગે સુરત શહેર ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કલ્પેશ ધડુકે સરકાર તરફી ફરિયાદી બની 10 લાખની લાંચની માગણી અંગેનો ગુનો નોંધ્યો છે. બે આરોપીમાંથી વિપુલની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે જિતુ ફરાર છે. ટૂંક સમયમાં તેની પણ ધરપકડ કરવામાં આવશે.
ઈમાનદાર પાર્ટીમાં કેટલા ભ્રષ્ટાચારીઓ ?
ત્યારે આ અંગે ફરિયાદ નોંધાતા ACB એ આ અંગે કાર્યવાહી હાથ ધરી હતી અને કોર્પોરેટર વિપુલ સુહાગીયાની ધરપકડ કરી લીધી હતી.જ્યારે જીતેન્દ્ર કાછડીયા હજુ પણ ફરાર છે ત્યારે પોતાને કટ્ટર ઈમાનદાર ગણાવતી પાર્ટીમાં પણ ભ્રષ્ટાચાર ઓછો નથી તેનો પુરાવો છે. માત્ર ભાજપ નહીં પરંતુ દરેક પાર્ટીમાં ભ્રષ્ટાચારીઓ ભરેલા પડ્યા છે. જો કોર્પોરેટર જ આટલી લાંચ લેતા હોય તો મોટા નેતાઓ કેટલી લેતા હશે ? ત્યારે સવાલ તે થાય છે કે, શું પોતાને ઈમાનદાર ગણાવતી પાર્ટી ખરેખર ઈમાનદાર છે ખરી ?
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube