સુરત : તક્ષશિલા અગ્નિકાંડને પાંચ વર્ષથી વધુ થઈ ગયા છે. આ અગ્નિકાંડમાં 22 જેટલા માસુમોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ મૃતકોના પરિવારજનો છેલ્લા પાંચ વર્ષથી ન્યાય માટે તરસી રહ્યા છે. ત્યારે તેમણે હાઇકોર્ટમાં કરેલી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસને ચલાવવાની અરજી નામંજૂર કરી દેવામાં આવી છે.ત્યારે હવે કોંગ્રેસ દ્વારા આજથી મોરબી, રાજકોટ સહિતની દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનોને સાથે રાખીને ન્યાયની માગ કરવા માટે ન્યાયયાત્રાની શરૂઆત કરવામાં આવી છે.તેમાં આ વાલીઓને જોડાવા માટે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. ત્યાર સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડના વાલીઓએ કહ્યું કે, જોકે, તમામ પીડિત વાલીઓ મક્કમ થઈને એક જ જવાબ આપી રહ્યા છે કે,તેઓ રાહુલ ગાંધીની ન્યાય યાત્રામાં નહીં જોડાય. કોઈપણ રાજકીય પાર્ટીઓ સાથે તક્ષશિલાના વાલીઓને લેવા દેવા નથી. તક્ષશિલા અગ્નિકાંડના વાલીઓ લડતમાં રાજકારણ લાવવા માંગતા નથી. કોર્ટ કાર્યવાહીમાં મદદરૂપ થવા અપીલ કરી હતી.આ સાથે જ પાંચ વર્ષમાં રાહુલ ગાંધી સુરત ત્રણથી ચાર વાર આવી ગયા હોવા છતાં ત્યારે અમારી યાદ આવી ન હતી અને મળ્યા પણ નહોતા. જેથી હવે આ ન્યાયયાત્રામાં વાલીઓ જોડાશે નહીં.
પાંચ વર્ષથી 22 પરિવારની ન્યાય માટે લડત
સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડમાં પાંચ વર્ષ પહેલા ભાગની ઘટના બની હતી. જેમાં 22 જેટલા માસુમોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બાદ ગુનો નોંધીને 14 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ આરોપીઓ હાલ જેલની બહાર છે અને મૃતકોના વાલીઓ ન્યાય માટે લડી રહ્યા છે. આ કેસને ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવા માટે વાલીઓ દ્વારા અને સરકાર દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેને હાઇકોર્ટ દ્વારા ના મંજૂર કરી દેવામાં આવી છે.
કોર્ટમાં ડે ટુ ડે કેસ ચાલે તેવી માગ
મૃતક ગ્રીષ્માના પિતા જયસુખભાઈ ગજેરાએ જણાવ્યું હતું કે, તક્ષશિલા અગ્નિકાંડને પાંચ વર્ષ થયા છે. ન્યાય પ્રક્રિયા ધીમી ચાલી રહી છે. અમે એમના માટે ડે ટુ ડે કોર્ટની માંગણી કરેલી તે કોર્ટે રિજેક્ટ કરી છે. અમે ફરીવાર સરકારને વિનંતી કરીએ છીએ કે, મુખ્યમંત્રી અને ગૃહમંત્રી ડે ટુ ડે કોર્ટની મંજૂરી અપાવે. જો આ રીતે ન્યાય પ્રણાલી ચાલશે તો કેસ પૂરો થતા-થતા ન્યાય માંગવા વાળા પણ જીવીત નહીં હોય. એટલે અમારી બીજી કોઈ માંગણી નથી. કોઈ પણ હિસાબે અમારો કેસ જલ્દી પૂરો થાય એવી માગણી છે.
‘અમે રાજકીય રીતે જોડાવા ઇચ્છતા જ નથી’
કોંગ્રેસની ન્યાય યાત્રામાં જોડાવા માટે કોંગ્રેસના તમામ હોદ્દેદારો અને નેતાઓએ અમારો સંપર્ક કર્યો છે. જોકે, આ ન્યાય યાત્રામાં તક્ષશિલા અગ્નિકાંડના મૃતકોના વાલીઓ જોડાશે નહીં. કોર્ટ કેસમાં જે સપોર્ટ કરવો હોય તે કરી શકે છે, પણ અમે રાજકીય રીતે જોડાવા ઇચ્છતા જ નથી. ન્યાયયાત્રામાં એક પણ વાલી જોડાવાના નથી.
લાશો પર રાજકારણ નહીં
વધુમાં મૃતક જાનવીના પિતા ચતુરભાઈ વસોયાએ જણાવ્યું હતું કે, પાંચ પાંચ વર્ષ થઈ જવા છતાં અમને ન્યાય મળ્યો નથી. તક્ષશિલા અગ્નિકાંડને પાંચ વર્ષ થયા છે અને અત્યાર સુધામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સુરત કોર્ટમાં ત્રણ-ત્રણ વાર આવીને ગયા તો પણ અમને મળવાનો સમય નહોતો? અત્યારે વાલીઓ ઉપર ફોન આવે છે કે, અમે તમને ન્યાય અપાવીએ. અમે વિપક્ષના નેતાને કહેવા માગીએ છીએ કે, અમારા બાળકોની લાશો ઉપર રાજનીતિ કરવાની બંધ કરો.
‘અમે કોઈનો ખંભો બનવા માંગતા નથી’
અમે અત્યાર સુધી કોઈને અમારા બાળકો ઉપર રાજનીતિ કરવા દીધી નથી અને કરવા દઈશું પણ નહીં. પીડિતોની ન્યાય અપાવો હોય તો ખોટી રાજનીતિ બંધ કરો. જિજ્ઞેશ મેવાણીને પણ અમારી વિનંતી છે કે, તમારે કોઈ વાલીઓને ફોન કરી ન્યાય માટેની ખોટી અપેક્ષા આપીને રાજનીતિ કરવી નહીં. અમે કોઈનો ખંભો બનવા માંગતા નથી. અમને ન્યાય અપાવવામાં સપોર્ટ કરો એ પછી પક્ષ હોય કે વિપક્ષ હોય.આવા ધતિંગ બંધ કરીને સપોર્ટ કરવામાં આવે તેવી જ અમારી માગ છે.
હિતેષભાઈ ઘેવરીયાએ કહ્યુ કે, પાંચ વર્ષ કરતાં વધુ સમયથી અમે લડત ચલાવીએ છીએ. પરંતુ રાજકારણને અમે એન્ટ્રી આપી નથી. અમે અમારા સંતાનોના નામે રાજનીતિ વચ્ચે લાવવા માગતા નથી. અમે ન્યાયની લડત ચલાવીએ છીએ તેમાં સપોર્ટ આપનાર આવકારીએ છીએ. અમે ઝડપથી ન્યાય મળે તે માટે જ પ્રયત્નો કરી રહ્યા છીએ. અમારા પીડિત પરિવારની એક જ વેદના છે કે અમને માત્ર ન્યાય અપાવો.
દિનેશ કેવડીયાએ જણાવ્યું હતું કે, આજે અમે તક્ષશિલા આર્કેટ ખાતે એકઠા થયા છીએ અને ન્યાય માટે માગણી કરી રહ્યા છીએ. પાંચ વર્ષથી વધુ સમય થઈ ગયો હોવા છતાં પણ અમને હજુ સુધી ન્યાય મળ્યો નથી. કોંગ્રેસના નેતાઓ દ્વારા અમને આમંત્રણ આપવામાં આવ્યું હતું કે, તમે ન્યાય યાત્રામાં જોડાવો. જોકે, પાંચ વર્ષથી અમે પક્ષ હોય કે વિપક્ષ અમે આમાં જોડ્યા નથી. 22 પરિવાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે, આ યાત્રામાં નથી જોડાવું.
બીજી તરફ પીડિત પરિવારો દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકા દ્વારા મૃતક પરિવારના બાળકો માટે તેમનું સ્મૃતિ ભવન બનાવવા માટે જગ્યા ફાળવવામાં આવી છે પરંતુ આ કામ ખૂબ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. કામને મનપા કમિશનર ગતિ આપે અને ઝડપથી આ કામ પૂરું થાય તેવી આશા તંત્ર પાસે અમે રાખીએ છીએ. રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને સંબોધતા પરિવારો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સરકાર પાસે ઘણી સત્તા હોય છે અને આ સત્તાનો ઉપયોગ કરીને સરકાર જો અમને આ કેસમાં મદદ કરે તો આ કેસ ઝડપથી ચાલી છે અને અમને ઝડપથી ન્યાય મળી રહેશે. અમે પાંચ વર્ષમાં એક પણ પક્ષનો રાજકીય હાથો બન્યા નથી અને આગામી દિવસોમાં પણ અમે રાજકીય પક્ષોનો હાથો બનવા માગતા નથી. અમને માત્ર ન્યાય જોઈએ છે અને ન્યાય માટે જ અમે છેલ્લા પાંચ વર્ષથી ન્યાયપાલિકામાં લડત ચલાવી રહ્યા છીએ.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube