હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક એટલે કે બપોરના 1:00 વાગ્યા સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરી છે. જેમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં અતિ ભારેથી અત્યંત ભારે વરસાદની શક્યતાઓ છે. જ્યારે મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. ત્યારે આજે અમદાવાદ, વડોદરા, ખેડા, મહિસાગર, સાબરકાંઠા સહિતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેથી ઠેર-ઠેર પાણી ભરાયાં હતા. હિંમતનગરમાં અંડરબ્રિજમાં આખી એસટી બસ પાણીમાં ગરકાવ થઈ હતી. જ્યારે બે કલાકમાં 5 ઈંચ વરસાદથી પ્રાંતિજ પાણી-પાણી થયું છે.
સવારે 8થી 10 વાગ્યા વચ્ચે 132 તાલુકાઓમાં વરસાદ
રાજ્યમાં સવારે 8 થી 10 વાગ્યા સુધી 132 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે. સવારથી 8 થી 10 કલાક વચ્ચે સૌથી વધુ પ્રાંતિજમાં સવા પાંચ ઈંચ વરસાદ પડ્યો હતો. માણસામાં 3, તલોદમાં પોણા 3 ઈંચ, હિંમતનગરમાં અઢી ઈંચ, જોટાણામાં પોણા 2 ઈંચ, મોડાસામાં દોઢ, વિજાપુરમાં સવા ઈંચ, મેઘરજ તેમજ વિસનગરમાં સવા ઈંચ વરસાદ પડ્યો હતો.
પ્રાંતિજમાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ
આજે સવારથી રાજ્યનાં 162 તાલુકામાં વરસાદ પડ્યો હતો. પ્રાંતિજમાં સૌથી વધુ 5 ઈંચ, લુણાવાડામાં 4 ઈંચ, મોડાસા, તલોદમાં 3.5 ઈંચ, હિંમતનગર, મેઘરજમાં 3 ઈંચ, મહેસાણામાં 2.5 ઈંચ, ખાનપુર, જોટાણામાં સવા 2 ઈંચ, બાયડમાં પોણા 2 ઈંચ વરસાદ પડ્યો હતો. હજુ પણ રાજ્યનાં મોટા ભાગનાં જીલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
એસ.જી હાઇવેના સર્વિસ રોડમાં પાણી ભરાયા
અમદાવાદમાં ધોધમાર વરસાદને પગલે એસ.જી. હાઈવેનાં સર્વિસ રોડમાં પાણી ભરાયા હતા. સામાન્ય વરસાદમાં જ બે ફૂટ જેટલા પાણી ભરાયા હત. એસ.જી.હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.
પાણી ભરાઈ જતા 4 જેટલી એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ
અમદાવાદમાં વરસાદ બાદ અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સરસપુર જવાનાં રસ્તે ઘૂંટણસમા પાણી ભરાયા હતા. રસ્તા પર જળભરાવને લઈ વાહન ચાલકો ટ્રાફિકમાં અટવાયા હતા. વાહનો પાણીમાં બંધ થતા 4 જેટલી એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં અટવાઈ હતી. સ્થાનિકો દ્વારા ભારે ટ્રાફિકજામ વચ્ચેથી એમ્બ્યુલન્સને બહાર કાઢવાનાં પ્રયાસ કરાયા હતા.
ખેતરોમાં વરસાદી પાણી ભરાયા
સાબરકાંઠામાં ભારે વરસાદ પડ્યો. વરસાદના પગલે નાની મોટી નદી નાળાઓ છલકાયા. ખેડૂતોના ખેતરોમાં વરસાદી પાણી ભરાયા.હાઇવે સહિત રોડ પર જાણે નદીઓ વહેતી થઈ તેવા દ્રશ્યો સર્જાયા. આ સાથે સાબરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો.
એસટી બસ પાણીમાં ડૂબી
સાબરકાંઠામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ધોધમાર વરસાદને કારણે હમીરગઢનો રેલવે અંડરપાસ પાણીમાં ગરકાવ થયો. ગરનાળામાં પાણી વચ્ચેથી પસાર થતાં ST બસ પાણીમાં ડૂબી. બસમાં પાણી ભરાતા ST બસના ડ્રાઇવર, કંડક્ટર બસ પર ચઢ્યા. જો કે સ્થાનિકોએ ડ્રાઇવર-કંડક્ટરને બહાર કાઢવા પ્રયાસ હાથ ધર્યા.
વાઘા કોતરોમાં પાણી ભરાયા
અરવલ્લી જીલ્લામાં માલપુરનાં અમીયોર પંથકમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. વાઘા કોતરોમાં પાણી ભરાયા હતા. ગ્રામીણ પંથકમાં સારા વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.
મગફળીનો પાક પાણીમાં ગરકાવ થયો
અરવલ્લીનાં મોડાસામાં ધોધમાર વરસાદને પગલે અમૃતપુરાકંપામાં ધોધમાર વરસાદ જશભરાવ થયો હતો. ગામમાં 3 ઈંચથ વધુ વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી મગફળી સહિતનો પાક પાણીમાં ગરકાવ થયો હતો.
સવારના બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો
મહેસાણા જીલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. મહેસાણા શહેરમાં સવારનાં બે કલાકમાં બે ઈંચ વરસાદ ખાબક્યો હતો. મહેસાણા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવા પામ્યા હતા. શહેરમાં માનવ આશ્રમ ચોકડી, વિસનગર રોડ સહિતનાં વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
મોટા ડેમમાં પાણીની આવક
સરદાર સરોવર યોજનામાં 23,486 ક્યુસેક, ઉકાઈમાં 36,307 ક્યુસેક, દમણગંગામાં 7,018 ક્યુસેક, કડાણામાં 6,674 ક્યુસેક, પાનમમાં 6,648 ક્યુસેક, હડફમાં 5500 ક્યુસેક પાણીની આવક થઈ છે. વિસ્તાર મુજબ ડેમની સંખ્યા અને પાણીની સ્થિતિ જોઈએ તો દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 53.29 ટકા, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 50.88 ટકા, કચ્છના 20 જળાશયોમાં 49.92 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 39.29 ટકા, ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 26.49 ટકા જળસંગ્રહ નોંધાયો છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube