સુરત:15 ઓગસ્ટ 2022ના રોજ ભારત દેશ આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી 76મા વર્ષ મા પ્રારંભ કર્યો છે ત્યારે આ વર્ષ દરમિયાન આઝાદી કા અમૃત મહોત્સવની સમગ્ર દેશમાં ઉજવણી થઇ રહી છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા આઝાદીના 75 વર્ષ અંતર્ગત તેમજ પાટીદાર અનામત આંદોલન(PAAS)ના 7 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય તે અંતર્ગત 25 ઓગસ્ટના રોજ પાટીદાર ક્રાંતિ દિવસ અને 26 ઓગસ્ટના રોજ પાટીદાર શહીદ દિવસની ઉજવણી અને શ્રદ્ધાંજલિના ભાગરૂપે પાટીદાર અનામત આંદોલન સમિતિ(PAAS) દ્વારા તારીખ 28 ઓગસ્ટ 2022ના રોજ તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તિરંગા પદયાત્રા 28 ઓગસ્ટના રોજ સવારે 9 કલાકે ક્રાંતિ ચોક(કિરણ ચોક) વિસ્તારથી નીકળીને સરદાર પ્રતિમા, માનગઢ ચોક, મિનિબઝાર, વરાછા રોડ સ્થિત પૂર્ણ કરવામાં આવશે. મોટી સંખ્યામાં વરાછા, કતારગામ, સરથાણા વગેરે વિસ્તારના યુવકો યાત્રામાં જોડાશે.
અચાનક પદયાત્રાના આયોજનથી રાજકીય ચર્ચાએ જોર પકડ્યું
પાટીદાર અનામત આંદોલન સમિતિ(PAAS) દ્વારા 28 ઓગસ્ટના દિવસે પદયાત્રાનું આયોજન થઈ રહ્યું છે. તેની પાછળ રાજકીય શક્તિ પ્રદર્શન બતાવવાનો હેતુ હોય શકે તેવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે . આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાસ પોતાનું રાજકીય અસ્તિત્વ બતાવવા માટે પદયાત્રાનું આયોજન કર્યું હોય તેવું લાગી રહ્યું છે. પાટીદાર અનામત આંદોલન(PAAS) સમિતિ દ્વારા શહેરમાં રાજકીય રીતે પોતે કેટલા મજબૂત છે તે સંગઠનાત્મક રીતે બતાવવાનો પ્રયાસ કરશે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાસ અને તેની સંગઠનની શક્તિ કોઈપણ રાજકીય પક્ષ માટે લાભ કે નુકશાન કરાવી શકે છે. એ પ્રકારનો પણ મેસેજ આપવાનો પ્રયાસ કરવામાં આવી શકે છે. પાસ(PAAS) દ્વારા આંદોલન સમયે જે કેસો કરવામાં આવ્યા હતા તેને પરત ખેંચવાની માંગ કરવામાં આવી હતી અને સરકાર દ્વારા પણ તેને પરત ખેંચી લેવા માટેની પણ હૈયેધાર આપવામાં આવી હતી. પરંતુ પાસ(PAAS)ની એક પણ વાત સરકારે યોગ્ય રીતે માની નથી. પદયાત્રા રૂપે પાસ પોતાનું શક્તિ પ્રદર્શન કરવાની પૂર્ણ તૈયારી કરી રહ્યું છે.
કલતક 24 ન્યૂઝ સાથે વાતચીત માં સુરત પાસના સહ કન્વીનર ધાર્મિક માલવિયા જણાવ્યું કે ભૂતકાળમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ(PAAS) દ્વારા તિરંગાયાત્રા કાઢવામાં આવી હતી અને તેમાં હજારોની સંખ્યામાં યુવકો ઉત્સાહભેર જોડાયા હતા. પરંતુ દુઃખ સાથે જણાવવું પડે છે કે તિરંગાયાત્રામાં પણ પોલીસે અમને રોક્યા હતા. અમારી યાત્રા પૂર્ણ ન થાય તેવા તમામ પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા. આજે જ્યારે દેશ અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે અને ચારે તરફ તિરંગાયાત્રા નીકળી રહી છે ત્યારે અમારી આ તિરંગા પદયાત્રાને પણ કોઈ વિઘ્ન ઉભું ન કરે તેવું અમે ઈચ્છી રહ્યા છીએ. કોઈપણ રાજકીય પાર્ટીના હિસાબે અમારી આ તિરંગા યાત્રામાં કોઈ અવરોધ ઊભું કરવામાં નહીં આવે તો સારું કહી શકાય. પાસની આખી ટીમ આ યાત્રામાં જોડાવાની છે અને સાથે સાથે તેના સમર્થકો પણ મોટી સંખ્યામાં પદયાત્રામાં જોડાઈને સમગ્ર શહેરને દેશભક્તિના સંદેશ સાથે ઉજવણી કરશે.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ