Parshottam Rupala Latest News: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્વે રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલી વિવાદાસ્પદ ટીપ્પણીના સમગ્ર ચૂંટણી દરમિયાન ઘેરા પ્રત્યાઘાતો પડયા બાદ ગઈકાલે જ્યારે ચૂંટણી પુરી થઈ છે ત્યારે આજે ફરી એક વખત ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગી છે. ક્ષત્રિય સમાજને રાષ્ટ્રનાં વિકાસના દોરમાં અને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં અગ્રેસર અને મહત્વની ભૂમિકા ભજવે તેવું આહવાન કર્યુ છે.
પરસોત્તમ રૂપાલાએ આજે પત્રકાર પરિષદ યોજી ફરી વખત ક્ષત્રિય સમાજ અંગે કરેલા વિધાનો બાબતે માફી માંગી હતી અને જણાવ્યું હતું કે હવે મતદાન પુરૂ થયું છે અને રાજનીતિ પણ પુરી થઈ છે. રાજકીય નેતા તરીકે નહીં પરંતુ એક ભાજપના સામાન્ય કાર્યકર તરીકે હું ક્ષત્રિય સમાજના જે લોકોની લાગણી દુભાણી છે, તેમને તેમજ માતૃ શક્તિને નમ્રતા પૂર્વક વિનંતી કરું છું કે જે પણ ભૂલ થઈ છે તે મારા કારણે થઈ છે અને આ માટે મારી જવાબદારી છે. મારી વિનંતી છે કે સઘળુ ભુલી જઈ ભારતને વિક્સિત રાષ્ટ્ર બનાવવાના કાર્યમાં સૌ સાથે મળીને આગળ વધીએ.
આ પરિસ્થિતિ માટે હું જ જવાબદાર છું : પરશોત્તમ રૂપાલા
કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, મારી 40 વર્ષની જાહેર જીવનની કારર્કિદી છે અને કારર્કિદીના આ દોરમાં હું ચૂંટણી લડ્યો છું. આજે મારે એક નિખાલસ એકરાર કરવો છે. આ દોર મારી કારર્કિદીનો સૌથી કઠિન દોર હતો. પરશોત્તમ રૂપાલાએ આગળ કહ્યું કે, ગઈકાલે ઉત્સાહપૂર્વક વાતાવરણમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ. સૌથી સારી વાત એ રહી કે રાજ્યભરમાં સંપૂર્ણ મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ. તેમણે કહ્યું કે, મારા એક નિવેદનના કારણે આખી ચૂંટણી દરમિયાન વિવાદના વમળો સર્જાયા. પરશોત્તમ રૂપાલાએ કહ્યું કે, આ મારી ભૂલ છે. મારા કારણે મારી પાર્ટીને સહન કરવું પડ્યું. જે મારા માટે સૌથી કષ્ટદાયક છે. આ પરિસ્થિતિ માટે હું જ જવાબદાર છું.
‘માણસ છું, માણસ માત્ર ભૂલને પાત્ર…’
પરશોત્તમ રૂપાલાએ (Parshottam Rupala) આગળ કહ્યું કે, આ મામલે પ્રદેશ પ્રમુખ CR પાટીલે (CR Patil) પણ દિલગીરી વ્યક્ત કરી હતી. હું પણ માણસ છું અને હું માણસ છું, માણસ માત્ર ભૂલને પાત્ર… આ પહેલા પણ મેં ઘણી વખત માફી માગી હતી. જો કે, હવે મતદાન સમાપ્ત થયું છે. હવે રાજકીય વિષય પણ નથી. અગાઉ જ્યારે પણ માફી માગી ત્યારે એવો ભાવાર્થ પણ નીકળતો હોય કે ચૂંટણી છે એટલે માફી માગીને તેમાંથી બચવાનો પ્રયાસ છે. પરંતુ, હવે ચૂંટણી (Lok Sabha elections) માહોલ નથી. મતવાળો વિષય નથી. આ રાજનીતિ પ્રેરિત મારું નિવેદન નથી. હું ફરી એકવાર જાહેરમાં નમ્રતાપૂર્વક સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માગું છું ક્ષત્રિય સમાજની માતૃશક્તિને પણ વિનંતી કરું છું.
‘મારા કારણે ક્ષત્રિય સમાજના મારા સાથીદારોને પણ સાંભળવાનું થયું’
તેમણે એમ પણ કહ્યું કે, મારા કારણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જે સાંભળવું પડ્યું હશે તે પણ મારા માટે ખૂબ જ પીડાદાયક અને કષ્ટદાયક છે. ક્ષત્રિય સમાજને આહવાન કરું છું કે, સમગ્ર ભારત જ્યારે વિકસિત રાષ્ટ્ર બનવા જઈ રહ્યું હોય ત્યારે મારા નિવેદનથી સમગ્ર ક્ષત્રિય સમાજના ઇતિહાસ બાબતે કોઈને કહેવાનું મન થાય તેનાથી પણ રહીને વિકાસની આ કેડીમાં આગળ વધે તેવું નમ્ર નિવેદન છે. મારા કારણે ક્ષત્રિય સમાજના મારા સાથીદારોને પણ સાંભળવાનું આવ્યું તે બદલ હું દિલગીરી વ્યક્ત કરું છું.
‘હું આ ઘટનાનું કેન્દ્રબિંદુ છું’
ક્ષત્રિય સમાજ તરફથી આંદોલન કરતી સંકલન સમિતિને આપ મળશો કે કેમ તે બાબતે રૂપાલાએ જણાવ્યું હતું કે, હું આ ઘટનાનું કેન્દ્રબિંદુ છું. જેથી હું ક્ષત્રિય સમાજની સંકલન સમિતિને મળીશ એવું કહેવું અનુચિત રહેશે. મારા પક્ષના ક્ષત્રિય સમાજ અને ભાજપના આગેવાનોનો એ નિર્ણય રહેશે. ક્ષત્રિય સમાજ અંગેનું નિવેદન ઘટના એ મારા કારણે હતી અને તેના માટે હું જ જવાબદાર છું અન્ય કોઈ પણ નહીં.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube