વિશ્વ
Trending

સુદાનમાં એરફોર્સનું દિલધડક ઓપરેશન,રાતના અંધારામાં એરક્રાફ્ટને લેન્ડ કરી ભારતીયોને ઘર સુધી પહોંચાડનાર ગ્રુપ કેપ્ટન રવિ નંદા કોણ ?

Operation Kaveri: ઓપરેશન કાવેરી હેઠળ, ભારતીયોની 13મી બેચ સુદાનથી સાઉદી શહેર જેદ્દાહ માટે રવાના કરવામાં આવી છે. આ બેચમાં 300 મુસાફરો છે. INS સુમેધા પોર્ટ સુદાનથી 300 મુસાફરો સાથે જેદ્દાહ માટે રવાના થયું હતું. ગૃહ યુદ્ધગ્રસ્ત આફ્રિકન દેશ સુદાનમાંથી ભારતીય વાયુસેનાએ આશ્ચર્યજનક અને સાહસિક ઓપરેશનમાં ગર્ભવતી મહિલા સહિત સેંકડો ભારતીયોને બચાવી લીધા છે. એરફોર્સના હિંમતવાન પાઈલટોએ નાઈટ વિઝન ગોગલ્સની મદદથી રાતના અંધારામાં જર્જરિત નાની એરસ્ટ્રીપ પર હર્ક્યુલસ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને લેન્ડ કરીને મિશન પાર પાડ્યું હતું. આ મિશનના હીરો હતા ગ્રુપ કેપ્ટન રવિ નંદા.

ખાર્તુમથી 40 કિમી દૂર ફસાયેલા હતા
હિંસાગ્રસ્ત સુદાનની રાજધાની ખાર્તુમથી લગભગ 40 કિમી દૂર વાડી સૈયદના પાસે 121 ભારતીયો ફસાયેલા હતા. અહીં એક નાની એરસ્ટ્રીપ હતી. 27/28 એપ્રિલની રાત્રે આ ઓપરેશનમાં વાયુસેનાના C-130J જેવા ભારે વિમાનોને તૈનાત કરવામાં આવ્યા હતા. ખૂબ જ ટૂંકા રનવે પર નાઇટ લેન્ડિંગની સુવિધા નહોતી. C-130J જેવા એરક્રાફ્ટનું લેન્ડિંગ ઓછી વિઝિબિલિટીના કારણે એક પડકારજનક કાર્ય હતું.

રવિ નંદા ભારતીય વાયુસેનાના C-130J સ્પેશિયલ ઑપ્સ એરક્રાફ્ટના કેપ્ટન છે. જેમણે સુદાનમાં ચાલી રહેલા ગૃહ યુદ્ધ દરમિયાન સુદાનના ખાર્તુમ નજીક વાડી સૈયદનાની નાની હવાઈ પટ્ટીમાંથી 121 ભારતીય નાગરિકોને બચાવવા માટે સાહસિક કામગીરી હાથ ધરી હતી. અંધારામાં એરક્રાફટને લેન્ડ કરી નાગરિકોને સહી સલામત જેદ્દાહ પહોંચાડ્યા છે.

નાઈટ લેન્ડિગની સુવિધા નહોતી
ભારતીય વાયુસેનાના પાયલટોએ જોખમ ઉઠાવતા રાતમાં લેન્ડિગનો નિર્ણય લીધો હતો. તેમણે નાઈટ લેન્ડિંગ માટે નાઈટ ગોગલ્સનો ઉપયોગ કર્યો અને વિમાન સફળતા પૂર્વક ખૂબ જ નાનકડી હવાઈપટ્ટી પર લેન્ડ કરાવ્યું. ત્યાર બાદ અહીં ફસાયેલા દરેક 121 ભારતીયોને લઈને આ વિમાન રાતે જ રવાના થઈ ગયું. ટેક ઓફ માટે પણ પાયલટોએ નાઈટ વિઝનનો ઉપયોગ કર્યો. રેસ્ક્યૂ કરેલા લોકોમાં એક ગર્ભવતી મહિલા પણ સામેલ હતી.

લેન્ડિંગ પછી પણ ઓન રહ્યા વિમાનના એન્જિન
વાયુસેના તરફથી જણાવવામાં આવ્યું કે લેન્ડિંગ પછી પણ વિમાનનું એન્જીન સતત ઓન રહ્યું. આ દરમિયાન 8 ગરુડ કમાન્ડોએ યાત્રિઓ અને તેમના સામાનને વિમાનમાં પહોંચાડ્યા. વાયુસેનાએ કહ્યું આ અભિયાનને ભારતીય વાયુસેનાના પોતાના સાહસિક અભિયાન માટે યાદ રખાશે. જોકે આ પહેલા કાબુલમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવામાં વાયુસેનાએ આ જ પ્રમાણે દિલધડક ઓપરેશન પાર પાડ્યા છે.

ઑપરેશન દેવી શક્તિ
ગ્રુપ કેપ્ટન રવિ નંદા અગાઉ પણ આવી કામગીરી કરી ચુક્યા છે. ઑગસ્ટ 2021 માં ઑપરેશન દેવી શક્તિના ભાગ રૂપે અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને સહીસલામત સ્વદેશ લાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગ્રુપ કેપ્ટન રવિ નંદા ફ્લાઈંગ (પાઈલટ) C-130J ટ્રાન્સપોર્ટ સ્ક્વોડ્રનના કમાન્ડિંગ ઓફિસર છે. તેમને 20 ઓગસ્ટ 2021 ના ​​રોજ, ઓપરેશન દેવી શક્તિના ભાગ રૂપે અફઘાનિસ્તાનના અસ્થિર યુદ્ધગ્રસ્ત રાષ્ટ્રમાં એક વિશેષ કામગીરીની જવાબદારી સોંપવામાં આવી હતી. ગ્રાઉન્ડ લેવલની વિશ્વસનીય માહિતીનો કોઈ સ્ત્રોત નહોતો, તેવામાં જીવના જોખમે અફઘાનિસ્તાનમાં રહેલા ભારતીયોને ભારત લાવ્યા હતા.

રવિ નંદાએ આ અત્યંત જોખમી મિડનાઇટ મિશનનું નેતૃત્વ કર્યું હતું. આ મિશનમાં તેમણે ભારે જોખમોનો સામનો કરવો પડ્યો. તેઓએ સંપૂર્ણપણે અનિયંત્રિત હવાઈ ક્ષેત્ર, અજાણ્યા હવાઈ પ્લેટફોર્મ્સ, ભારે ટ્રાફિક, અત્યંત મુશ્કેલ પર્વતીય ભૂપ્રદેશની વચ્ચે અત્યંત મર્યાદિત દ્રશ્ય સંકેતો અને સૌથી વધુ એક પ્રતિકૂળ ભૂમિ પરિસ્થિતિ જ્યાં એરપોર્ટની આસપાસ સતત છૂટાછવાયા ગોળીબાર, કટ્ટરપંથી લડવૈયાઓની હાજરી, આવી અસ્થિર યુદ્ધ ભૂમિમાંથી ભારતીયોને પરત લઈને આવ્યા હતા. અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને સહીસલામત લાવવા બદલ તેમને વીરતા ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓimage

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button