રાષ્ટ્રીય
Trending

“One Nation One Election” પર કેન્દ્ર સરકારનું મોટું પગલુ, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં સમિતિની રચના

  • ‘એક દેશ,એક ચૂંટણી’ માટે કમિટીની રચના
  • કમિટીના અધ્યક્ષ તરીકે પૂર્વ રાષ્ટ્રપતિની નિમણૂક
  • પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કમિટીના અધ્યક્ષ રહેશે
  • કમિટી કાયદાકીય બાબતોની કરશે સમીક્ષા

‘One Nation One Election’ Committee: કેન્દ્ર સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વમાં ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ માટે એક સમિતિની રચના કરી છે. સમિતિના સભ્યો અંગે ટૂંક સમયમાં નોટિફિકેશન જારી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે એવી અટકળો ચાલી રહી હતી કે કેન્દ્ર સરકાર 18 થી 22 સપ્ટેમ્બર સુધી સંસદના વિશેષ સત્ર દરમિયાન ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ બિલ રજૂ કરી શકે છે.

કહેવામાં આવી રહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિધાનસભા અને સામાન્ય ચૂંટણીઓ એકસાથે કરાવવાના વિચાર પર ભાર આપી રહ્યા છે. આ એક એવું પગલું છે જેનાથી ચૂંટણી કરાવવાનો ખર્ચ ઘટશે અને શાસન માટેનો સમય પણ બચશે.

એક દેશ, એક ચૂંટણી
નોંધનીય છે કે, એક દેશ, એક ચૂંટણીનો અર્થ એ છે કે દેશમાં તમામ ચૂંટણીઓ એકસાથે થવી જોઈએ. દેશની આઝાદી પછીના અમુક સમય સુધી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાતી હતી, પરંતુ બાદમાં આ પ્રથાનો અંત આવ્યો અને વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ અલગ-અલગ યોજવામાં આવી.

જો એક દેશ એક ચૂંટણી લાગુ કરવામાં આવે તો શું ?
આ તરફ જો દેશમાં એક દેશ-એક ચૂંટણીના નિર્ણયનો અમલ થશે તો તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણી એક સાથે થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક અવસરે આના પક્ષમાં અવાજ ઉઠાવ્યો છે અને હવે આને લઈને દેશમાં વાતાવરણ સર્જાઈ રહ્યું છે. થોડા સમય પહેલા કાયદા પંચે એક દેશ એક ચૂંટણી પર સામાન્ય લોકોનો અભિપ્રાય પણ માંગ્યો હતો.

શું કહ્યું હતું PM મોદીએ ?
PM મોદીએ સંસદમાં કહ્યું હતું કે, કોઈએ એક દેશ, એક ચૂંટણીના મુદ્દાને સ્પષ્ટપણે નકારી કાઢવો જોઈએ નહીં અને તેના પર વિગતવાર ચર્ચા થવી જોઈએ. PM મોદીએ કહ્યું હતું કે, દેશના સમય, ખર્ચ અને વિકાસની ગતિને ઝડપી બનાવવા માટે એક દેશ, એક ચૂંટણી સમયની જરૂરિયાત છે અને કહ્યું હતું કે, આપણે આ દિશામાં પગલાં ભરવા જોઈએ.

અધીર રંજને કહ્યું – સરકારની નિયત સાફ નથી

બીજી બાજુ આ જાહેરાત સાથે જ વિપક્ષમાંથી કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ મોદી સરકાર સામે નિશાન તાકતાં વન નેશન વન ઈલેક્શન મુદ્દે મોદી સરકારની નિયત સામે જ સવાલો ઊઠાવ્યા હતા અને તેમણે કહ્યું કે આ મામલે સરકારની નિયત સાફ નથી. અધીર રંજન ચૌધરીએ વધુમાં કહ્યું કે સરકારે પહેલા તો મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દાઓ અને સમસ્યાઓને હલ કરવા પર ધ્યાન આપવાની જરુર છે ત્યાં તે ચૂંટણીઓ પર જ ધ્યાન આપી રહી છે.

કેન્દ્રએ સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું

કેન્દ્ર સરકારે 18-22 સપ્ટેમ્બરે સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. કેન્દ્ર સરકાર વિશેષ સત્ર દરમિયાન એક દેશ, એક ચૂંટણી સંબંધિત બિલ રજૂ કરી શકે છે. સરકારે 18 થી 22 સપ્ટેમ્બર સુધી લોકસભા અને રાજ્યસભાનું વિશેષ સત્ર બોલાવ્યું છે, જેમાં 5 બેઠકો થશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) અને મહિલા આરક્ષણ બિલ પણ લાવી શકે છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button