Surat News: સુરત શહેરની ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ પાસેથી 1 કરોડ રૂપિયાની ખંડણી માગવાના મામલે પોલીસે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIના શહેર પ્રમુખ ધીરેન્દ્રસિંહ સોલંકી સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે. આ કેસમાં હજુ બે આરોપીઓ ફરાર છે. પોલીસે આરોપીઓ પાસેથી અત્યાર સુધીમાં 6.5 લાખ રૂપિયા રિકવર કર્યા છે.
વાસ્તવમાં, સુરતના સારોલી વિસ્તારમાં આવેલી રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટ, ક્રિએટિવ ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ અને એડિટેક આ ત્રણેય સંસ્થા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) સાથે ખાનગી રીતે સંલગ્ન અભ્યાસક્રમો ઓફર કરે છે. આ સંસ્થાઓ પર નકલી ડિગ્રીઓ આપવા અને ખોટી રીતે શિક્ષણ આપવાનો આરોપ લગાવતા, NSUIના વડા અને તેના સહયોગીઓએ સંસ્થાના સંચાલકો પાસેથી 1 કરોડ રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી.
ધમકી આપી પૈસા પડાવી લીધા
પોલીસના જણાવ્યા અનુસાર, આ લોકોએ સૌપ્રથમ 16 જાન્યુઆરીએ પ્રેસ કોન્ફરન્સ કરીને સંસ્થાઓ પર નકલી ડિગ્રી આપવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી સંસ્થા સંચાલકોને ધાકધમકી આપવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. એનએસયુઆઈના કાર્યકરોએ સંચાલકોને જણાવ્યું હતું કે જો તેઓ પૈસા નહીં ચૂકવે તો તેઓ તેમની સામે કેસ કરશે અને સંસ્થાના સંચાલકોને ફસાવી 10 વર્ષ સુધીની જેલ કરાવી દઈ ધંધાને તાળા મરાવવાની ધમકી આપીને એક કરોડ રૂપિયા પતાવટ માટે માગવામાં આવ્યા હતા. ધમકીના ડરથી સંસ્થાના સંચાલકોએ પહેલા રૂ.1.5 લાખ આપ્યા હતા. ત્યારબાદ બીજા રૂ.5 લાખ ચૂકવવાના હતા. પરંતુ જ્યારે આરોપીઓની માંગણીઓ વધી ત્યારે સંચાલકોએ પોલીસનો સંપર્ક કરવાની યોજના બનાવી હતી.
સ્ટિંગ ઓપરેશનમાં ઝડપાયો આરોપી
સંસ્થાના સંચાલકોએ આરોપીઓની ગતિવિધિઓનો પર્દાફાશ કરવા સ્ટિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. આ સ્ટિંગમાં NSUIના કાર્યકરો ખંડણીની રકમ લેતા નોંધાયા હતા. સંચાલકોએ આ વીડિયોને પુરાવા તરીકે પોલીસને સોંપ્યો હતો, જેના આધારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ FIR નોંધીને ધરપકડની કાર્યવાહી શરૂ કરી હતી.
પકડાયેલા આરોપીઓની ઓળખ
સુરત પોલીસના સારોલી પોલીસે આ કેસમાં ધીરેન્દ્રસિંહ સોલંકી (NSUI સુરત શહેર પ્રમુખ), રવિ પુછડિયા (NSUI કાર્યકર), પ્રીત ચાવડા, મિતેશ હડિયા અને તુષાર મકવાણા સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. સાથે જ અભિષેક ચૌહાણ અને કિશોર ડાભી ફરાર છે, જેમને પોલીસ શોધી રહી છે. પોલીસે ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી 6.5 લાખ રૂપિયા રિકવર કર્યા છે, જે તેમણે સંસ્થાઓના સંચાલકો પાસેથી એકત્ર કર્યા હતા. પોલીસે કહ્યું છે કે સમગ્ર મામલાની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં ફરાર આરોપીઓને પણ પકડી લેવામાં આવશે.
ડીસીપીએ આ મામલે જણાવ્યું હતું
સુરત પોલીસ ડીસીપી રાજદીપ સિંહ નકુમે જણાવ્યું હતું કે NSUI કાર્યકરોએ 16 જાન્યુઆરીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ પર અન્યાયી રીતે ડિગ્રી આપવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ આ સંસ્થાઓના સંચાલકોને ધાકધમકી આપી પૈસા પડાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જ્યારે સંસ્થાના સંચાલકોએ પ્રારંભિક રકમ ચૂકવવા છતાં ખંડણી વધતી જોઈ ત્યારે તેઓએ સ્ટિંગ ઓપરેશન હાથ ધરી પોલીસને નક્કર પુરાવા આપ્યા હતા. જેના આધારે પોલીસે ધરપકડની કાર્યવાહી હાથ ધરી હતી.
Input: AAJ Tak
Advertisement
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube