- ઉત્તર ગુજરાતમાં બનશે ખોડલધામ
- પાટણના સાંડેરમાં બનશે ભવ્ય સંકુલ
- શૈક્ષણિક સંકુલ સાથે હશે હોસ્પિટલની સુવિધા
- 22મી ઓક્ટોબર અને આઠમના દિવસે ભવ્ય ખોડલધામનું ખાતમુહૂર્ત થશે
પાટણ:સમગ્ર સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજ ઉપરાંત કરોડો માઈભક્તો માટે આસ્થાનું પ્રતીક બની ગયેલ ખોડલધામ જેવું જ એક અન્ય મંદિર અને સંકુલ પાટણના સંડેરમાં નિર્માણ પામશે.લેઉવા પટેલનાં કુળદેવી ખોડલ માતાજીનું ભવ્ય મંદિર પાટણનાં સંડેર ખાતે નિર્માણ પામી રહ્યું છે. ત્યારે સૌરાષ્ટ્રનાં કાગવડ જેવું જ મંદિર પાટણ પાસે બનવા જઈ રહ્યું છે. ત્યારે 22 મી ઓક્ટોબર અને આઠમનાં દિવસે ભવ્ય ખોડલધામનું ખાતમુર્હત થશે. ખોડલધામમાં મંદિર ઉપરાંત શૈક્ષણિક સંકુલ અને હોસ્પિટલ પણ બનશે. ત્યારે ખોડલધામનાં ખાતમુર્હૂતનાં આયોજન અંગે આજે બેઠક મળી હતી. ખોડલધામનાં ચેરમેન નરેશ પટેલની આગેવાનીમાં બેઠક યોજાઈ હતી. સામાજીક અગ્રણી અનારબેન પટેલ અને ધારાસભ્ય કિરીટ પટેલ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠકમાં ઉત્તર ગુજરાતના પાટીદાર સંગઠનોના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ખોડલધામ ટ્રસ્ટ કાગવડની સીધી દેખરેખ હેઠળ આ સંકુલનું નિર્માણ થવાનું છે ત્યારે ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલ તેમના 20 સભ્યોના ટ્રસ્ટી મંડળ સાથે સંકુલ માટે સૂચિત કરાયેલા સ્થળની અગાઉ મુલાકાત કરી ચૂક્યા છે. આ પહેલા પાટીદાર સમાજની એકતા માટે પાટીદાર સમાજની ટોચની બે ધાર્મિક સંસ્થાઓ ઉમિયાધામ ઊંઝા અને ખોડલધામ કાગવડના ટ્રસ્ટીઓની ચિંતન બેઠક પણ થઈ ચૂકી છે.
બાલીસણા સંડેર રોડ પર આવેલા મહાદેવ મંદિર નજીક પાટીદાર સમાજની ખોડલધામ સમિતિ દ્વારા 30 વીઘા જમીનમાં શૈક્ષણિક અને ધાર્મિક સંકુલ નિર્માણ કરવાનું આયોજન કર્યું છે. જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે શૈક્ષણિક સંકુલ કૃષિ સંશોધન કેન્દ્ર અને ખોડલધામનું નિર્માણ થશે. મહેસાણા, ભાન્ડુ, બાલીસણા સહિત વિવિધ સ્થળોએ પાટીદાર સમાજ દ્વારા આ નિર્ણયને આવકારવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ખોડલધામના ખાતમુહૂર્તમાં રહેશે ઉપસ્થિત
પાટણ જીલ્લાનાં સંડેર ખાતે નિર્માણ પામી રહેલ ખોડલધામનાં ખાતમુર્હૂતમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ અને ગુજરાતનાં પ્રથમ પૂર્વ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સહિત એનસીપી નેતા અને સાંસદ પ્રફુલ પટેલ અને ઉદ્યોગપતિ કરશનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેશે.
આજના જમાનામાં મુખ્ય તાકાત એ સંગઠન છે-નરેશ પટેલ
સંડેર ખાતે ખોડલધામનાં ભૂમિપૂજન કાર્યક્રમનાં આયોજન અંગે મળેલી બેઠક બાદ નરેશ પટેલે નિવેદન આપ્યું છે. નરેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતની ઈકોનોમિકની કરોડરજ્જુ લેઉવા પટેલ સમાજ છે. ન માત્ર ઈકોનોમિક પરંતું પોલિટિકલ કરોડરજ્જુ પણ લેઉવા પટેલ સમાજ છે. ગુજરાતમાં લેઉવા પટેલ સમાજ જે તરફ જાય છે. તે તરફ રાજકારણ ઢળે છે. ત્યારે લેઉવા પટેલ સમાજ પાસે પૈસાની ઉણપ નથી. પુષ્કળ રૂપિયા છે. આજનાં જમાનામાં મુખ્ય તાકાતએ સંગઠન છે. તેમજ ખોડલધામ સંસ્થા નથી. વિચાર છે. જાતિ આધારિત વસ્તી ગણતરી રાજકીય ચર્ચાનો વિષય છે. મારે કોમેન્ટ કરવી યોગ્ય નથી.
કેવું છે સૌરાષ્ટ્રનું ભવ્યાતિભવ્ય મંદિર ખોડલધામ
આ ભવ્ય મંદિર સૌરાષ્ટ્રના કાગવડ ખાતે બનાવવામાં આવ્યું છે. જેમાં 2017ની જાન્યુઆરી 17થી 21 તારીખ સુધી 5 દિવસનો મહોત્સવ યોજાયો હતો. આ મંદિરમાં મા ખોડલ સહિત મા અંબા, વેરાઈ મા, મા ગાત્રાળ, મા અન્નપૂર્ણા, મા મહાકાળી, રાંદલ, માતા બુટભવાની, બ્રહ્માણી માતા, મોમાઇ માતા, મા ચામુંડા, મા ગેલ તેમજ મા શિહોરીની ભવ્ય મૂર્તિઓ સ્થાપિત કરાયેલી છે. મંદિરનું બાંધકામ શિલ્પશાસ્ત્ર મુજબ રાજસ્થાની કારીગરો દ્વારા ગુંબ્બજ, પિલર અને છત્તરની કોતરણી સાથેનું બાંધકામ થયેલું છે.
ખોડલધામ મંદિર બંસી પહાડપુરના 2 લાખ 30 હજાર ઘનફૂટ પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે, જે રાજસ્થાનના ભરતપુર જિલ્લામાં બયાના ગામની નજીકની ખાણમાંથી નીકળે છે. મંદિરની પહોળાઈ 252 ફુટ, 5 ઇંચ છે. મંદિરની લંબાઈ 298 ફુટ, 7 ઇંચ છે જ્યારે જમીનથી ધ્વજદંડ સુધીની ઊંચાઈ 159 ફુટ, 1 ઇંચ છે. ખોડલધામ મંદિરની ટોચ પર એક 14 ફૂટ ઉંચો, 6 ટનનો સૂવર્ણ જડિત કળશ સ્થાપિત કરાયો છે. કલશની પાસે 40 ફૂટ ઊંચો ધ્વજદંડ મૂકવામાં આવ્યો છે. ધ્વજદંડ પર બાવન ગજની ધ્વજા લહેરાઈ રહી છે. ઓરિસ્સાના કારીગરો દ્વારા કંડારવામાં આવેલી લગભગ 650 મૂર્તિઓ માંડોવરથી ખોડલધામ મંદિરની શિખર સુધી સ્થાપિત કરવામાં આવી છે. પિલર, બિમ, તોરણ, છતની ડિઝાઈન એ બધું રાજસ્થાનના કારીગરોએ કંડાર્યું છે. ખોડલધામ મંદિરનો સમાવેશ મહામેરૂ પ્રાસાદમાં થાય છે. એટલે કે જેનું સ્વરૂપ મોટા પર્વત જેવું હોય તેને મહામેરૂ પ્રાસાદ કહે છે. મંદિરની બહારના પરિસરમાં 650 અન્ય કલાકૃતિ સભર ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરી રહેલ મૂર્તિઓ છે જે ઓરિસ્સાના કુશળ કારિગરોએ બનાવેલ છે. મંદિરના નિર્માણમાં ઉપયોગમાં આવવેલ ગુલાબી પત્થરો ખાસ રાજસ્થાનથી મંગાવેલ છે. જેમાં અજગર, હાથી, સિંહ અને ગજથર, અશ્વથર, ગ્રાસથર, નર્તકી, વ્યાલ, વગેરેની મૂર્તિઓનો સમાવેશ થાય છે. આ સિવાય રામાયણ – મહાભારતના પૌરાણિક પાત્રો પણ કંડારાયેલા છે. સોનાથી મઢેલ ધ્વજ દંડ પર મંદિરના શિખર ઉપર ૫૨ ગજની ધ્વજા ફરકી રહી છે. કાગવડમાં ખોડલમાતાના દર્શન કરવા દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube