September 14, 2024
KalTak 24 News
Gujarat

ગુજરાતમાં 1થી 8 ધોરણ માટે ગુજરાતી ફરજિયાત,ભંગ કર્યો તો 2 લાખનો સુધીનો થશે દંડ

Vidhansabha

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં આજે શિક્ષણમંત્રી કુબેર ડિંડોર દ્વારા ફરજિયાત ગુજરાતી(Gujarati) ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક 2023 રજુ કરવામાં આવ્યું હતું. વિધાનસભા(Vidhansabha) ગૃહમાં રજુ કરવામાં આવેલા આ બિલને તમામ પક્ષો તરફથી આવકારો મળ્યો હતો. કોંગ્રેસે આ બિલનો ખુલ્લા દિલથી સ્વીકાર કર્યો હતો. ગૃહમાં આ બિલ પર ચર્ચા પણ કરવામાં આવી હતી. ચર્ચાના અંતે આ બિલને સર્વાનુમતિ મળતા પસાર કરવામાં આવ્યું હતું.

રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં હવેથી ધોરણ 1થી 8 સુધી ગુજરાતી ભાષાનું ફરજિયાત શિક્ષણ આપવામાં આવશે. ગુજરાતી ભાષામાં શિક્ષણ-અભ્યાસ વિધેયક ગૃહમાં સર્વાનુમતે પસાર થઈ ગયું છે. સુધારા પ્રમાણે ધોરણ-1 અને 2માં વિધેયક લાગુ રહેશે. જોગવાઈનો ભંગ કરનાર શાળા સંચાલકોને રૂ.2 લાખ સુધીનો દંડ ફટકારવામાં આવશે. શાળાની માન્યતા રદ કરવા સુધીની જોગવાઈ બીલમાં કરવામાં આવી છે.

ધોરણ 1 થી 8 સુધી ગુજરાતી ભાષાનું શિક્ષણ
રાજ્યની પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને માતૃભાષા-ગુજરાતી ફરજીયાત ભણાવવામાં આવે છે તે સુનિશ્ચિત કરવા માટે ‘ગુજરાત ફરજિયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક, 2023’ તૈયાર કરવામાં આવ્યુ છે. રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં ધોરણ 1 થી 8 સુધી ગુજરાતી ભાષાનું શિક્ષણ ફરજિયાત આપવાની જોગવાઈ આ વિધેયકમાં કરવામાં આવી છે, જેમાં રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત પાઠ્યપુસ્તક ભણાવવાના રહેશે. આ કાયદાની જોગવાઇઓનો ભંગ કરનાર શાળા સંચાલકોને દંડ ફટકારવાની અને આવી પ્રવૃતિના ત્રણ ઉલ્લંઘનના કિસ્સામાં રાજ્યની બિન-સહાયિત શાળાઓને અપાયેલી માન્યતા રદ કરવા જેવા કડક પગલા લેવાની પણ જોગવાઇઓ આ કાયદામાં કરવામાં આવી છે, તેમ શિક્ષણ મંત્રી ડૉ.કુબેરભાઇ ડિંડોરે જણાવ્યું હતું.

કાયદો લાવવો જરૂરી છેઃ શિક્ષણમંત્રી
શિક્ષણમંત્રીએ વધુમાં ઉમેર્યુ હતું કે, ગુજરાતી ભાષા ગુજરાતની સત્તાવાર ભાષા હોવા છતાં કેટલીક શાળાઓમાં ગુજરાતી ભાષાને એક વિષય તરીકે પણ શીખવવામાં આવતી નથી, જેને કારણે રાજ્યના રહેવાસીઓ તેમની સત્તાવાર ભાષાથી વંચિત રહે છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે તા.13/04/2018ના રોજ ઠરાવ કરી રાજ્યની ગુજરાતી માધ્યમ સિવાયની તમામ શાળાઓમાં વર્ષ 2018માં ધોરણ- 1 અને 2, વર્ષ 2019માં ધોરણ-3, વર્ષ 2020માં ધોરણ-4, તે રીતે ક્રમશઃ ધોરણ 8 સુધી ગુજરાતી ભાષા શિક્ષણનો ફરજિયાત અમલ કરવા આદેશ કર્યો હતો. આ ઠરાવ મુજબ કોઈ પણ બોર્ડ સાથે સંલગ્ન ગુજરાતી માધ્યમની શાળાઓ સિવાયની તમામ શાળાઓને ફરજિયાત વિષય તરીકે ગુજરાતી ભાષા શીખવવાની જોગવાઈ કરવામાં આવી હોવા છતાં એવું જોવા મળ્યું હતું કે કેટલીક શાળાઓ ઠરાવને અનુસરતી નથી. જેને પરિણામે કડક જોગવાઇઓ સાથેનો કાયદો લાવવો જરૂરી હતો.

ગુજરાતી ભાષાના બિલની જોગવાઇઓ

  • ગુજરાતી ફરજિયાત ભાષા શિક્ષણ અને અભ્યાસ વિધયકની જોગવાઇ
  • પ્રથમ વખત નિયમ ભંગ કરનાર શાળાનો 50 હજારનો દંડ
  • બીજી વાર નિયમનો ભંગ કરનાર શાળાને 1 લાખનો દંડ
  • ત્રીજી વાર નિયમ ભંગ કરનાર શાળાને 2 લાખનો દંડ
  • શાળામાં ઘોરણ 1 થી 8 માં ગુજરાતી શિક્ષણ ફરજીયાત
  • વિધયકમાં સજા તથા દંડની જોગવાઇ કરવામાં આવી
  • કાયદાની અમલવારી માટે નાયબ નિયામકની નિમણૂક કરાશે
  • દંડની રકમમાં સક્ષમ અધિકારી વધારો ઘટાડો કરી શકશે
  • ગુજરાત તથા તમામ બોર્ડમાં ગુજરાતી ફરજીયાત થશે
  • સીબીએસસી અને કેન્દ્રિય સ્કૂલમાં ગુજરાતી ફરજીયાત
  • બિન ગુજરાતી બાળકોના માતા પિતા કારણો સાથે વિનંતિ કરે તો મુક્તિ


તુષાર ચૌધરીએ વિધાનસભા ગૃહમાં ખુલ્લા દિલથી સ્વીકાર કર્યો

કોગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ જણાવ્યુ હતુ કે, હુ ધોરણ 12 સુધી ગુજરાતી ભ્ણ્યો છું. ત્યાર બાદ ઇંગ્લિશ ભાષા મારે શીખવી પડી છે. આજના યુગમાં વાલીઓ પોતાના બાળકોને અગ્રેજી માધ્યમ તરફ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. પરંતુ બાળકો આજે ગુજરાતી ભાષા વાંચી શકતા નથી. ગુજરાતી ભાષાના વિકાસ વગર ગુજરાતનો વિકાસ શક્ય નથી. વિશ્વના 25 અગ્રેસર લોકોમાં ગુજરાતી છે. અધિકારીઓ ગુજરાતી ભાષાનું પુરુતુ જ્ઞાન રાખવું જરૂરી છે.

મારા જિલ્લાની તમામ સ્કૂલો રેડ ઝોનમાં છે: અર્જુન મોઢવાડીયા
ગુજરાતી ભાષા ફરજીયાત બાબતે કોગ્રેસ ધારાસભ્ય અર્જુન મોઢવાડીયા જણાવ્યુ હતુ કે, સરકાર ગૃહમાં જે બીલ લાવી છે તેનું હુ સમર્થન કરુ છુ. દરેક ધારાસભ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની મુલાકાત લેવી જોઇએ. આ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી એટલે મને ખ્યાલ આવ્યો કે મારા જિલ્લાની તમામ શાળાઓ રેડ ઝોનમાં છે. મારા ગામની શાળાઓ પણ રેડ ઝોનમાં છે. શાળાઓને રેડ ઝોનમાંથી ગ્રીન ઝોનમાં લાવવા માટે સરકારનો સહકાર આપીશ. આપણે સૌ સાથે મળીને પ્રયત્ન કરીએ કે, ગુજરાત પણ શિક્ષણ બાબતે દેશમાં ટોપ પાંચ રાજ્યમાં સમાવેશ થાય. ગુજરાતી ભાષાનું જતન કરવું આપણી જવાબદારી છે.

ગુજરાતી ભાષાની ગ્રાન્ટેડ સ્કૂલ બંધ થઇ રહી છે: ધવલસિંહ ઝાલા
જે ભાષામાં લાગણીઓ વ્યક્ત કરવા માટે શબ્દો શોધવા પડતા નથી તે ભાષા એટલે ગુજરાતી. આપણે સૌ જાણીએ છીએ કે, માતૃભાષા ફરજિયાત ન હોત તો ગુજરાતી ભાષાની શું દશા હોત. હાલની પેઢી મોટે ભાગે અગ્રેજી ભાષાનો ઉપયોગ કરે છે. આપણી રોજિદી ભાષામાં પણ અગ્રેજીનો વધુ પડતો ઉપયોગ થઇ રહ્યો છે. આ ઉપરાંત મારી મુખ્યમંત્રીની વિનંતિ છે કે, ગ્રામિણ વિસ્તારમાં જે ગ્રાન્ટેડ સ્કૂલો બંધ થઇ છે તેમાં મોટે ભાગે ગુજરાતી માધ્યમની શાળાઓ છે. સરકારે રાજ્યમાં વધુમાં વધુ ગુજરાતી માધ્યમની શાળાઓ શરુ કરવી જોઇએ. જેથી આપણી ગુજરાતી ભાષા જીવંત રહે.

ગુજરાત બહાર 18 લાખ લોકો ગુજરાતી બોલે છે: ત્રિકમભાઇ છાંગા
ગુજરાતી ભાષા બીલ બાબતે ધારાસભ્ય ત્રિકમભાઇ છાંગા જણાવ્યુ હતુ કે, ગુજરાતી ઉચ્ચ સંસદિય પરંપરાને સ્થાપિત કરનાર રાજ્ય છે. સર્વોદયના સિદ્ધાંત કહે છે કે, સૌના ભલામાં આપણુ ભલુ છે. વિશ્વમાં 5 હજાર જેટલી ભાષાઓ છે. દર બે અઠવાડિયે એક ભાષા લુપ્ત થતી જાય છે. આ બીલ ગુજરાતી ભાષાની સેવા માટે લાવવામાં આવ્યુ છે. ગુજરાત બહાર 18 લાખ લોકો ગુજરાતી ભાષા બોલે છે. વિદેશમાં મોટા પ્રમાણમાં ગુજરાતી ભાષા બોલાય છે. કચ્છમાં પણ 1971:72માં હિજરત કરીને આવેલા લોકો પોતાની ભાષા બોલે છે. સિંધ અને થરપારકરની ભાષામાં લોકો બોલે છે. એ લોકો પણ પોતાની ભાષાનું જતન કરી રહ્યા છે.

10 વર્ષમાં 2600 સ્કૂલો બંધ થઇ છે: કિરીટ પટેલ
વિશ્વમાં 7 હજાર જેટલી ભાષાઓ છે.જેમાં ગુજરાતી 26માં ક્રમે આવે છે. આપણુ બંધારણ બન્યુ ત્યારે કુલ 14 જેટલી ભાષા હતી જેમાં ગુજરાતી 5 નંબરની ભાષા હતી. ગાંધીજીએ હરિજનબંધુમાં લખ્યુ છે કે, ભાતૃભાષાની અનાદર એટલે માતાનું અનાદર. જાપાન અને જર્મની જેવા દેશમાં પોતાની માતૃભાષા ફરજિયાત કરવામાં આવી છે. જર્મન અને જાપાન માતૃભાષાનો વપરાશ હોવાથી આ દેશ ટેકનોલોજીમાં પણ આગળ છે. ગુજરાતમાં ગુજરાતી ભાષા બીલ લાવવાની જરુર કેમ પડી એ ચિંતાનો વિષય છે. રાજ્ય સરકારે આડેધડ મંજૂરી આપવામાં આવી છે. ગુજરાત સરકાર ગુજરાતી ભાષા માટે બીલ લાવી છે પણ સરકારે ગુજરાતી ભાષાના સ્કોલર સ્ટાફ નથી. છેલ્લા 10 વર્ષમાં 2600 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ બંધ થઇ છે.

ગુજરાતી ભાષાની વાત કરનાર લોકોના સંતાન ઇગ્લિશ મીડીયમાં ભણે છે:સી.જે ચાવડા
ગુજરાતી ભાષા બીલ બાબતે કોગ્રેસ ધારાસભ્ય સી.જે ચાવડા જણાવ્યુ હતુ કે, એક સમયે ગુજરાતી ભાષા બચાવવા ચળવળ ચલાનારના દિકરા ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાં ભણતા હતા. સ્વદેશી ચળવળ ચલાવનારા ઘરમાં ચાઇનિઝ ફર્નિચર હોય છે. સરકાર બીલ લાવી છે તેનું સમર્થન છે. 15 મી વિધાનસભામાં સરકાર લોકહિત માટેની બીલ લાવી રહી છે.પેપરફોડ માટે બીલ લાવી, ગુજરાતી ભાષા માટે બીલ લાવી અમે તેને આવકારીએ છીએ.

શાળા ગુજરાતી ન શિખવાડે તો શું?
ગુજરાત વિધાનસભામાં પસાર થયેલા ફરજિયાત ગુજરાતી ભાષાના શિક્ષણ અને અભ્યાસ બાબત વિધેયક 2023 અંતર્ગત તમામ બોર્ડ, શાળાઓએ ગુજરાતી ભણાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. છતા જો કોઈ શાળા ગુજરાતી ભણાવતી નથી તો તેવી શાળા સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. સરકાર દ્વારા અગાઉ ગુજરાતી ફરજિયાત ભણાવવા કહેવાયું હતું પરંતુ ઘણી શાળાઓ ગુજરાતી ભણાવતી ન હોવાનું પણ સામે આવ્યું હતું. જોકે હવે બિલ વિધાનસભામાં પસાર થયું છે તો તે અંગે હવે કાયદો બન્યા પછી આવી શાળાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. જેમાં પ્રથમ વખત નિયમ ભંગ કરશે તો 50 હજારનો દંડ કરવામાં આવશે. બીજી વખત નિયમ ભંગ કરવા બદલ 1 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે. તથા ત્રીજી વખત ભંગ કરવા બદલ 2 લાખનો દંડ કરવામાં આવશે. આમ શાળાઓને ત્રણ વખત આ વિધેયકની વાત ન માવવા પર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. પણ જો ચોથી વખત નીયમ ભંગ કરવામાં આવે છે તો તેવી શાળા સામે માન્યતા જ રદ્દ કરી દેવાના પગલા લેવામાં આવશે.

 

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related posts

રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડ બાબતે રાજ્ય સરકાર એક્શનમાં, 6 અધિકારીઓ સસ્પેન્ડ

KalTak24 News Team

વડોદરા/ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારનું બન્યું ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ,ઉમેદવારે આ અંગે લોકોને સતર્ક રહેવા કરી અપીલ..

KalTak24 News Team

હાર્દિક પટેલને સુપ્રીમ કોર્ટમાથી મોટી રાહત

KalTak24 News Team