ગુજરાત

સુરત: માતા-પિતા માટે ચેતવણી સમાન કિસ્સો,ફોનમાં ગેમ રમતી 5 વર્ષીય બાળકીના ગળામાં દોરી પર સૂકવેલો ગમછો ભરાઈ જતાં મોત

સુરત: સુરત જિલ્લાના અમરોલીમાં વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. અહીં મોબાઈલમાં વીડિયો જોતી અને ગેમ રમતી 5 વર્ષની બાળકીનું રમતા રમતા અચાનક મોત થઈ ગયું. બારી પાસે ઊભેલી બાળકી ફોનમાં વ્યસ્ત હતી, આ દરમિયાન જ ત્યાં દોરી પર સૂકવેલા કપડામાં ગમછો તેના ગળાના ભાગે વિંટળાઈ ગયો હતો. બાળકીનો પગ લપસી જતા તેને ફાંસો લાગી ગયો અને પળવારમાં જ તેનું મોત નીપજ્યું.

કોસાડ આવાસમાં બનેલી ઘટના વાલીઓ માટે ચેતવણીરૂપ

સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસમાં બનેલી ઘટના વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો છે. ચારેક દિવસ પહેલાં પાંચ વર્ષની બાળકી હાથમાં મોબાઇલ ફોન લઈને રમી રહી હતી. રમતાં રમતાં બાળકીના ગળામાં દોરી પર સૂકવવા માટે નાખેલો ગમછો ભરાઈ ગયો હતો. આ ગમછો ક્યારે ફાંસીનો ફંદો થઈ ગયો તેની બાળકી કે વાલીને જાણ જ ન થઈ અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકીનું કરુણ મોત નીપજ્યું હતું.

રમતા રમતા ગમછો ગળામાં લપેટી લીધો
​​​​​​​ગત 21મીએ મનોજભાઈ શાકભાજી લેવા ગયા હતા અને તેમના પત્ની રસોઇ બનાવી રહ્યાં હતા તે દરમ્યાન બારી નજીક ફોન પર ગેમ રમતી માસુમ એસ્પીતાને બારી પાસે સુકવવા નાંખેલો ગમછો કોઈક રીતે ગળે વિટળાયા બાદ પગ લપસી જતા ફાંસો લાગી ગયો હતો. બુમ પાડતા એસ્પીતાએ જવાબ ન આપતા માતા જોવા ગઈ હતી.​​​​​​​ એસ્પીતાને ફાંસો લાગ્યાનું જણાતા તેણીને તરત ખાનગી હોસ્પિટલ લઇ જવાઇ હતી. એક પછી એક 3 ખાનગી હોસ્પિટલમાં રિફર થયા બાદ લાલદરવાજાની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન એસ્પીતાએ દમ તોડી દીધો હતો.

ગમછો ગળામાં લપેટ્યા બાદ પગ લપસતાં ફાંસો
એસ્પીતાના પિતા મનોજ જૈનાએ જણાવ્યું હતું કે એસ્પીતા મારી એકની એક દીકરી હતી. ઘરમાં નેટવર્ક બરાબર ન આવતા તે બારી પાસે મોબાઈલમાં ગેમ રમતી હતી. બારી પાસે બાંધેલી દોરી પર ગમછો સુકવવા નાંખેલો હતો. રમતા રમતા કોઈક રીતે તેણે ગમછો ગળામાં લપેટી લીધો હતો અને પગ લપસી જતા તેને ફાંસો લાગી ગયો હતો. ગળાની નસ દબાઈ ગઈ હોવાથી તેને બેભાન હાલતમાં પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરી હતી. પરંતુ ડોક્ટર તેને બચાવી ન શક્યા અમારી એકની એક દીકરી અમે ગુમાવી દીધી.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન બાળકીનું મોત
માતાના બુમ પાડવા છતા બાળકીએ જવાબ ન આવતા તેમણે બહાર જોયું તો બાળકી ફાંસો ખાધેલી હાલતમાં હતી. એવામાં બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે એક બાદ એક 3 ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા બાદ સોમવારે સવારે બાળકીનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું. સમગ્ર મામલે પોલીસે હોસ્પિટલ પહોંચીને તપાસ શરૂ કરી હતી.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button