અમદાવાદ: બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા (BAPS) સ્વામીનારાયણ સંપ્રદાયના 5માં આધ્યાત્મિક ગુરુ પ્રમુખ સ્વામી મહારાજના જન્મ શતાબ્દી મહોત્સવનો (Pramukh Swami Maharaj Shatabdi Mahotsav) મહંત સ્વામીની હાજરીમાં સમાપન સમારોહ યોજાયો હતો. અમદાવાદના ઓગણજ સ્થિત 600 એકરમાં ઉભા કરવામાં આવેલા પ્રમુખ સ્વામીનગરમાં પ્રમુખ સ્વામીને ભાવાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જે એક મહિનો સુધી એટલે કે ગઈકાલે 14મી જાન્યુઆરીના પૂર્ણ થયું હતું. વિદેશથી પણ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.આ શતાબ્દી મહોત્સવની પૂર્ણાહુતિ સભામાં લાખો હૈયાં ભાવવિભોર થયા હતા.
- અભૂતપૂર્વ મેનેજમેન્ટ, પ્રેરણાદાયી આકર્ષણો, કાર્યક્રમો અને પ્રદર્શનો દ્વારા ઐતિહાસિક અને ચિરસ્મરણીય બની જનાર ભવ્યાતિભવ્ય અને દિવ્ય પ્રમુખસ્વામી મહારાજ નગરમાં ૩૦ દિવસમાં 1 કરોડ 21 લાખ કરતાં વધુ દર્શનાર્થીઓએ મેળવી આંતરજાગૃતિની પ્રેરણા
- સતત એક મહિના સુધી માનવ ઉત્કર્ષના મહાપર્વ એવા પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં વિશિષ્ટ સંધ્યા સભાઓ દ્વારા પ્રત્યક્ષ અને જીવંત પ્રસારણ દ્વારા કરોડો લોકોએ જીવન-ઉત્કર્ષની પ્રેરણાઓ મેળવી
- અનેકવિધ પ્રોફેશનલ અને એકેડેમિક કોન્ફરન્સ અને સેમિનારો દ્વારા હજારોએ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના પવિત્ર જીવનનો સંદેશ મેળવ્યો
- કલાત્મક સંતદ્વાર, પ્રમુખસ્વામી મહારાજ મહા-મૂર્તિ, દિલ્લી અક્ષરધામ પ્રતિકૃતિ, પ્રમુખ જ્યોતિ ઉદ્યાન- ગ્લો ગાર્ડન, લાઇટ એન્ડ સાઉન્ડ શો અને અન્ય અનેકવિધ પ્રદર્શનોએ છેલ્લાં એક મહિનાથી લાખોને કર્યા અભિભૂત
- 30 દિવસના આ શતાબ્દી મહોત્સવ દરમિયાન 1.23 લાખ લોકો વ્યસનમુક્તિ અને ઘરસભા માટે નિયમબદ્ધ થયા.
- આ 30 દિવસ દરમિયાન 56,28,955 સીસી રક્ત એકઠું કરવામાં આવ્યું, જે ગુજરાતની 15 બ્લડબેંકમાં મોકલવામાં આવ્યું.
- બાળ-નગરીના પ્રદર્શનખંડો અને અનેકવિધ આકર્ષણોમાંથી પ્રેરણા લઈ અઢી લાખ કરતાં બધુ બાળ-બાલિકાઓએ નિયમકુટિરમાં વિવિધ નિયમો ગ્રહણ કર્યા
- પ્રમુખસ્વામી મહારાજ નગરના સંચાલન માટે અવિરત કાર્યરત એવા 45 જેટલાં વિભાગોના પ્રબંધન અને 80000 સ્વયંસેવકોના સેવા-સમર્પણ અને ભક્તિમય પુરુષાર્થથી સૌ નતમસ્તક થયા
સંધ્યા સમયે ૪:૪૫ વાગ્યે સમાપન સમારોહ પ્રમુખસ્વામી મહારાજ કેમ રે ભુલાય!નો આરંભ કરવામાં આવ્યો હતો. સંતો, યુવકો દ્વારા સ્વામિનારાયણ મહામંત્રના ધૂનગાન અને પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની સ્મૃતિ કરાવતાં ભક્તિપદોથી સભાનો આરંભ કરાવ્યો હતો.
અનેકવિધ ભક્તોએ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સાથેના પોતાના સંસ્મરણો વાગોળ્યા હતાં. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે કરેલાં વ્યસનમુક્તિ, પત્રલેખન, પધરામણી, શિક્ષણ કાર્યોને દર્શાવતી હૃદયસ્પર્શી વિડિયો દર્શાવવામાં આવી હતી.
BAPSના વરિષ્ઠ સંત પૂ. વિવેકસાગર સ્વામીએ લોકહિત માટે પ્રમુખસ્વામી મહારાજે વેઠેલા શારીરિક અને માનસિક શ્રમની ગાથા વર્ણવી અને કેવી રીતે પ્રમુખસ્વામી મહારાજે સર્વેને શાંતિ, સ્થિરતા અને આધ્યાત્મિક સમજણ આપી સર્વેના જીવન ઉન્નત કર્યા તે વિષયક વક્તવ્ય આપ્યું. પ્રમુખસ્વામી મહારાજ નગરની મુલાકાત લેનાર કરોડો લોકોમાંથી કેટલાંક લોકોના સ્વાનુભાવ વિડિયો દ્વારા દર્શાવવામાં આવ્યા હતા.
BAPSના વરિષ્ઠ સંત પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના વિશ્વવ્યાપી મંદિર નિર્માણના યુગકાર્યને અંજલિ આપતું વક્તવ્ય કર્યું હતું. BAPS મંદિરોના વૈશ્વિક સ્તરે અભૂતપૂર્વ પ્રભાવને દર્શાવતી વિડિયો રજૂ કરવામાં આવી હતી.
BAPSના વરિષ્ઠ સંત પૂ. આનંદસ્વરૂપ સ્વામીએ કેવી રીતે જીવન ઉત્કર્ષના મહાન ઉત્સવોની પરંપરા શરૂ કરી તે જણાવ્યું. નિઃસ્વાર્થ સેવાભાવનાથી કાર્યરત હજારો સ્વયંસેવકોનું નિર્માણ દ્વારા, હજારોમાં વિશિષ્ટ કળા કૌશલ્યને નિખારતા ઉત્સવો દ્વારા પ્રમુખસ્વામી મહારાજે સમાજમાં કરેલી અદભુત ક્રાંતિની વાત કરી. પ્રમુખસ્વામી મહારાજ દ્વારા પ્રેરિત અનોખા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મહોત્સવોની પ્રેરણાદાયી સૃષ્ટિની વિડિયો દ્વારા ઝાંખી કરાવવામાં આવી.
ત્યારબાદ BAPS સંસ્થાના સદ્ગુરુ સંતો –પૂ. ઘનશ્યામચરણ સ્વામી, પૂ. ત્યાગવલ્લભ સ્વામી, પૂ. ભક્તિપ્રિય સ્વામી, પૂ. ડૉક્ટર સ્વામી અને પૂ. ઈશ્વરચરણ સ્વામીએ પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની પરાભક્તિ, સાધુતા, નમ્રતા તેમજ જીવન અને કાર્યને BAPS સંસ્થાના વરિષ્ઠ સંતોએ ભાવાંજલિ અર્પણ કરી હતી.
બાળકો અને યુવાનોએ નૃત્યાંજલિ અને વિડિયોના માધ્યમથી પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની ભાવવંદના કરવામાં આવી હતી. પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે સૌને આશીર્વચનથી કૃતાર્થ કર્યા હતા. લાખોની ભક્તમેદનીએ આરતીના નાદ સાથે દીપ પ્રજ્વલિત કરીને પુષ્પાંજલિ અર્પણ કરી ત્યારે જયજયકારોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
આનંદભાઈ પટની
આનંદભાઈ પટની એક ખાનગી ન્યુઝ ચેનલમાં રીપોર્ટર તરીકે ફરજ બજાવે છે. ૨૧ ડિસેમ્બેરના દિવસે તેઓ પોતાના પરિવાર સાથે શતાબ્દી મહોત્સવમાં બાળનગરીની મુલાકાતે આવ્યા હતા. બાળનગરીમાં તેમના પુત્રએ નિયમ કુટિરમાંથી માતાપિતાને પગે લાગવાનો નિયમ લીધો. નિયમકુટીરમાંથી તેમને ‘ચાલો બનીએ આદર્શ’ પુસ્તક ભેટમાં આપવામાં આવ્યું. બીજા દિવસ એટલેકે ૨૨ ડિસેમ્બરથી તેમના પુત્રએ નિયમ પાળવાનો શરુ કરી દીધો. તે પુસ્તક વાંચતો હતો ત્યારે તેમાં વ્યસનની કુટેવવાળું પેજ આવ્યું. તે બતાવીને તેના પિતાને ને કહ્યુંકે તમે જો તમે વ્યસન નહિ છોડો તો આજથી હું તમારી સાથે બોલીશ નહિ.બાળકની જીદ સામે આનંદભાઈ નમી ગયા અને વ્યસન મૂકી દેવાનો નિયમ લીધો. એટલું જ નહિ પણ એમનો બાળક બીજા દિવસે ‘ચાલો બનીએ આદર્શ’ પુસ્તક સ્કૂલમાં લઇ ગયો અને બધા બાળકો અને શિક્ષકોને એ પુસ્તક બતાવી પોતે લીધેલ નિયમ અને બાળનગરીની વાત કરી. બીજા દિવસે ૨૨ ડિસેમ્બરે સાંજે ફરીથી બાળનગરીમાં આવી આનંદભાઈએ નિયમ કુટિરનું લાઇવ વિડીઓ કવરેજ લીધું.
મહેશભાઈ ગવારીયા (૨૫ વર્ષ)
તેઓ ધંધુકા માં રહે છે અને લાકડા કાપવાની લાતીનો વ્યવસાય કરે છે. તેમને ચાર વર્ષથી મસાલાનું વ્યસન હતું, હરિભક્ત સૌમીલભાઈ ચૌહાણ દ્વારા તેઓને સેવામાં આવવાની પ્રેરણા મળી, ધંધામાંથી રજા લઈને સેવામાં આવવું ઘણું મુશ્કેલ હતું છતાં પણ પોતે એક અઠવાડિયાની સેવામાં આવી ગયા. ડેકોરેશન વિભાગમાં તેઓ સેવા કરી રહ્યા હતા. નગર જોઈને ખૂબ અભિભૂત થયા, હરિભક્તો સંતો સાથે સેવામાં જોડાવાથી તેઓએ સંકલ્પ કર્યો કે હવે પોતે આજીવન વ્યસન મુક્ત રહેશે.’
રાજદાન ગઢવી, નડિયાદ
પ્રમુખસ્વામી મહારાજે પોતે આટલી મોટી સંસ્થાના ગુરુ પદે હોવા છતાં દરેક વ્યક્તિઓના મન સાચવ્યા છે. ટૂટે હ્રદય ટૂટે ઘર પ્રદર્શન નિહાળ્યા બાદ એવું લાગ્યું છે આપણે ઘરના મોભી હોઈએ તો ઘરના દરેક સભ્યના મન સાચવીએ તો ઘણું બધું પરિવર્તન આવી શકે છે. આપણે નિયમિત ઘરસભા કરવી જ જોઈએ જે નિયમ આજે અહી લીધો છે.
લક્ષ્મણભાઇ પરમાર, સરખેજ
દરેક પ્રદર્શન સર્વશ્રેષ્ઠ છે. મારે વ્યસન તો ન હતું પણ અહી બાળકો પાસેથી ગુસ્સો છોડવા અંગે જણાવવામાં આવ્યું જે બહુ મોટી વાત છે. મોટી વ્યક્તિઓ તો શીખ આપતા હોય છે. અહીં બાળકો શીખ આપી સમજાવે છે. અહી મેં ગુસ્સો ના કરવા અંગેની નિયમ ગ્રહણ કર્યો છે.
સંધ્યાબેન સુનિલભાઈ સહાડી , સુરત
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી માટે બધા જાય છે એટલે જોવા માટે આવ્યા. શો બહુ ગમ્યો , આવી રીતે ઘરમાં બધા હળીમળીને રહે તો પરિવારમાં સુધારો થાય અને સંપ રહે. અહી હું સમૂહભોજન નો નિયમ લઉં છું.’
પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે સૌને આશીર્વચનથી કૃતાર્થ કર્યા હતા, તેમણે જણાવ્યું
પ્રમુખસ્વામી મહારાજે દરેકની સંભાળ લીધી છે અને દરેકને સાચવ્યા છે એટલે દરેકને અનુભૂતિ થાય છે કે “પ્રમુખસ્વામી મહારાજ મારા છે”. આજે નહિ પરંતુ હજારો વર્ષો પછી પણ પ્રમુખસ્વામી મહારાજને લોકો યાદ કરતા રહેશે. પ્રમુખસ્વામી મહારાજ ક્યારેય તેમના ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજને ક્યારેય નથી ભૂલ્યા તે રીતે આપણે પણ કાયમ પ્રમુખસ્વામી મહારાજની સ્મૃતિ રાખવાની છે. પ્રમુખસ્વામી મહારાજની દૃષ્ટિ હંમેશા ગુરુ સામે જ હતી. પ્રમુખસ્વામી મહારાજના રોમે રોમમાં ભગવાન હતા અને તેઓ અવિનાશી હતા માટે તેઓ આ પૃથ્વી પરથી ગયા જ નથી અને આજે પણ તેઓ આપણી સાથે છે અને સદાય આપણી સાથે રહેશે. સ્વામિનારાયણ ભગવાન અને ગુણાતીતાનંદ સ્વામી તેમજ ગુરુ પરંપરાના આશીર્વાદ અને દયાથી આ શતાબ્દી મહોત્સવ શાનદાર ઉજવાઈ ગયો છે. આ મહોત્સવની ફળશ્રુતિ એ છે કે આપણા જીવનમાં પણ પ્રમુખસ્વામી મહારાજની જેમ નિયમધર્મ ,ભગવાનમાં શ્રદ્ધા સેવા , સમર્પણ વગેરે જેવા ગુણો આપણાં જીવનમાં દ્રઢ થાય. જેણે જેણે આ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં સહકાર આપ્યો છે તેને ભગવાન સુખિયા કરે તેવી પ્રાર્થના. સંતો અને સ્વયંસેવકો કરેલી નિઃસ્વાર્થ સેવા કદીય ના ભુલાય તેવી છે અને સૌએ હિંમત અને બળ રાખીને તેમજ નમ્રતાથી સેવા કરી છે.
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ
આ મેસેજ તમામ મિત્રો ગ્રુપ માં શેર કરશો અને વોટ્સેપ સ્ટેટસ માં મુકીને મદદરૂપ થશો.
https://chat.whatsapp.com/IKUXXxk7rGHDmDK0W88NqB
દેશ દુનિયાના સમાચારો મેળવવા આજે જ જોડાઓ કલતક 24 ન્યુઝ ગ્રુપ માં, તમારો નંબર અન્ય કોઈને ન દેખાય તે માટે પ્રાઈવસી સેટ કરવામાં આવેલી છે. જેથી નીડરતાથી આપ જોડાઈ શકો છો.