
ભારતીય હવામાન વિભાગ (IMD) ના અહેવાલ અનુસાર આગામી 6 કલાકમાં બિપરજોય એક ગંભીર વાવાઝોડામાં રૂપાંતરિત થઇ શકે છે. તે 15 જૂનની આજુબાજુ વાવાઝોડું બનીને ઉત્તર તરફ આગળ વધશે. હાલ તે ગુજરાતના પોરબંદરથી ફક્ત 500 કિ.મી. દૂર દક્ષિણ-પશ્ચિમમાં અરબ સાગરમાં છે. તે 5 કિ.મી. પ્રતિકલાકની ઝડપે સતત આગળ વધી રહ્યું છે. 15 જૂન સુધી તે કચ્છના તટ સુધી પહોંચી શકે છે. પોરબંદરની નજીકમાંથી તે આશરે 200થી 300 કિ.મી. અને નલિયાથી 200 કિ.મી.ની અંતરથી પસાર થવાની શક્યતા છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં આ વાવાઝોડું ત્રાટકશે તે નક્કી થઈ ગયું છે તેવું હવામાન વિભાગનું કહેવું છે. આગામી 14-15 જૂનના રોજ ભારે વરસાદની પણ આગાહી છે. લોકોને દરિયા કિનારાથી દૂર રહેવાની સલાહ અપાઈ છે. તંત્ર દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરાવવાનું વિચારી રહ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ સ્કૂલોમાં 2 દિવસની રજા
દેવભૂમિ દ્વારકા જિલ્લાની તમામ સ્કૂલોમાં 2 દિવસની રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા નીચાણવાળા દરિયાઈ વિસ્તારમાંથી અત્યાર સુધી 1100 લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. દ્વારકા જિલ્લામાં 125થી 135 કિ.મી.ની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે તેમજ દરિયામાં 25થી 30 ફૂટ ઊંચા મોજા ઉછળી શકે છે જેને લઈ હવામન વિભાગે દ્વારકા જિલ્લાને 15 તારીખે રેડ એલર્ટ જાહેર કર્યો છે.
નાગરિકો માટે હેલ્પ લાઇન નંબર જાહેર કરાયા
પોરબંદરમાં વહીવટી તંત્ર દ્વારા નાગરિકો માટે હેલ્પ લાઇન નંબર જાહેર કરાયા છે તેમજ બચાવ અને રાહત કામગીરી માટે તંત્ર સંપૂર્ણ પણે સજ્જ છે અને લોકો ને ખોટી અફવાઓથી દૂર રહેવા કલેક્ટરે અપીલ પણ કરી છે. પોરબંદર ચોપાટી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. સામાન્ય નાગરિક મદદ માટે 100 નંબર પર સંપર્ક કરવા અપીલ કરે તેવું SPએ પણ જણાવ્યું છે.ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ
વાવાઝોડાંની શક્યતાને પગલે હવામાન વિભાગે આગામી 15 અને 16 જૂને પવનની ગતિ અને વરસાદને જોતા ત્રણ જિલ્લાને રેડ એલર્ટ જાહેર કર્યા છે. જેમાં કચ્છ, જામનગર અને દ્વારકા જિલ્લાને રેડ એલર્ટ જાહેર કર્યા છે. આ ત્રણ જિલ્લામાં 125થી135 કિલોમીટરની સ્પીડે ભારે પવન ફૂંકાશે તેમજ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.
સગર્ભા મહિલાઓને સલામત સ્થળે ખસેડવાની સૂચના અપાઇ
PGVCL તંત્રને સૂચના આપી ખાસ ટુકડીઓ તૈયાર કરવામાં આવી છે. કાંઠા વિસ્તારના ગામોમાં તા. 11 અને 12 સુધી સગર્ભા મહિલાઓને સલામત સ્થળે ખસેડવાની સૂચના અપાઇ છે. ખાનગી અને સરકારી મોબાઈલ ટાવરોને સલામત રાખવા જેતે કંપનીના અધિકારીઓને હવે વિશેષ સૂચના આપવામાં આવશે. તમામ સરકારી કર્મીઓની રજાઓ રદ્દ કરી ફરજ પર હાજર રહેવા કહેવાયું છે અને જિલ્લા મથક સાથે તમામ 10 તાલુકા મથકો પર કન્ટ્રોલ રૂમ શરૂ કરી દેવામાં આવ્યા છે.
શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ 6 જિલ્લાઓમાં મોકૂફ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બિપરજોય વાવાઝોડાની સંભવિત અસરને અનુલક્ષીને રાજ્યના દરિયાકાંઠાના 6 જિલ્લાઓ દ્વારિકા, પોરબંદર, કચ્છ, મોરબી, જામનગર અને જૂનાગઢમાં ‘શાળા પ્રવેશોત્સવ’ નો કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. એટલું જ નહીં રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આ ‘શાળા પ્રવેશોત્સવ’ હવે ત્રણ ને બદલે બે દિવસ એટલે કે તા.12 અને 13 જૂનના રોજ યોજાશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આપત્તિ વ્યવસ્થાપન કામોમાં માર્ગદર્શન માટે રાજ્ય મંત્રી મંડળના વરિષ્ઠ મંત્રીઓને આ જિલ્લાઓની જવાબદારી સોંપી છે.
કયા જિલ્લાની જવાબદારી કયા મંત્રીને સોંપી
- કચ્છ જિલ્લામાં મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રફુલ ભાઇ પાનશેરીયા
- મોરબીમાં કનુભાઈ દેસાઈ
- રાજકોટ જિલ્લામાં રાઘવજી પટેલ
- પોરબંદરમાં કુંવરજી બાવળિયા
- જામનગર જિલ્લામાં મુળુ ભાઇ બેરા
- દેવભૂમિ દ્વારકામાં હર્ષ સંઘવી
- જૂનાગઢ જિલ્લામાં જગદીશ વિશ્વકર્મા
- ગીર સોમનાથમાં પરસોત્તમ સોલંકી
આ બધા જ મંત્રીઓને તેમને સોંપાયેલા જિલ્લાઓમાં પહોંચવાની સૂચનાઓ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી છે.
અંબાલાલ પટેલે કરી આગાહી
અંબાલાલ પટેલે જણાવ્યું કે, આગામી 12થી 16 જૂન દરમિયાન ગુજરાતના કેટલાકભાગોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ ખાબકશે. વાવાઝોડું જેમ-જેમ નજીક આવશે તેમ-તેમ રાજ્યમાં ભારે પવન ફૂંકાશે.
રાજ્યમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારામાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, કચ્છ, દ્વારકા, જામનગર, મોરબી ભારે વરસાદ પડી શકે છે. સાથે જ રાજકોટ, પોરબંદર, જૂનાગઢમાં અતિ ભારે વરસાદ પાડવાની સંભાવના છે.
સાયક્લોનની સ્થિતિ અંગે CM ભૂપેન્દ્ર પટેલની બેઠક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાતે પહોંચ્યા હતા. સાયક્લોનની સ્થિતિ અંગે CM ભૂપેન્દ્ર પટેલે ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી વીડિયો કોન્ફરન્સનું યોજી હતી. ભૂપેન્દ્ર પટેલે દરિયા કાંઠાના જિલ્લા કલેક્ટરો સાથે બેઠક કરી હતી. તેમણે કલેક્ટરોને પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ રહેવાનો આદેશ આપ્યો હતો. આ બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર અને રાહત કમિશનર પણ જોડાયા હતા.
દ્વારકાના બંદર પર 4 નંબરનું સિગ્નલ
વાવાઝોડાની આગાહીને પગલે દ્વારકાના બંદર પર 4 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તમામ બંદરો પર 4 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવાની તંત્રએ સૂચના આપી છે. દરિયાકાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવાની તંત્રએ અપીલ કરી છે.
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ભારે પવન શરૂ
જાફરાબાદના દરિયામાં વાવાઝોડાંની અસર જોવા મળી રહી છે. અરબી સમુદ્રમાં પ્રચંડ રૂપ ધારણ કરી ‘બિપોરજોય’ વાવાઝોડું પ્રશ્રિમ તરફ આગળ વધી રહ્યુ છે. તેમજ હાલ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ભારે પવન શરૂ થઈ ગયો છે. ગઈકાલે 10થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. જ્યારે જામનગર, સોમનાથમાં વરસાદ પણ પડ્યો હતો.
નવસારી જિલ્લાના દરિયા કિનારે પણ અસર જોવા મળી
નવસારીના દરિયાકાંઠા પર બિપોરજોય વાવાઝોડાની અસરના ભાગરૂપે દરિયામાં કરંટ જોવા મળતા દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.. બીપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાતનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર એલર્ટ બન્યું છે. કેટલાક જિલ્લાઓમાં જરૂરિયાત મુજબ NDRFની ટુકડી ફાળવવામાં આવી છે. નવસારી જિલ્લાના દરિયા કિનારે પણ અસર જોવા મળી રહી છે.
જામનગરના વાતાવરણમાં આવ્યો પલટો
બિપોરજોય વાવાઝોડાની આગાહી પગલે જામનગરનું વાતાવરણ પલટાયું છે. જેમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જે પગલે જામનગરમાં મંડપ ઉડી જવા, પતરા પડી જવા અને 66 કેવીનો ટાવર પડી જવાની ઘટનાઓ સામે આવી છે. જેના પગલે જામનગરનું તંત્ર એલર્ટ મોડમાં જોવા મળ્યું છે.તો જામનગરમાં તમામ અધિકારીઓને કન્ટ્રોલ રૂમ પર હાજર રેહવા માટે સુચના આપી દેવાઈ છે.
હર્ષ સંઘવીની કાંઠા વિસ્તારના લોકોને અપીલ
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, વાવાઝોડાંની અસર જે જિલ્લા અને તાલુકાઓમાં થનાર છે તેમને અગાઉથી જ સૂચના આપી દેવામાં આવી છે. ખાસ કરીને કાંઠા વિસ્તારના લોકોને અધિકારીઓ દ્વારા જે પણ સૂચના આપવામાં આવી હોય તેનું યોગ્ય પાલન કરીને સહયોગ આપવો જોઈએ, જેથી કરીને તેઓ પોતાની સુરક્ષા સારી રીતે કરી શકે છે. કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તેની ખાસ કાળજી લેવી જોઈએ.
રાજકોટ એરપોર્ટ ખાતે 2 હેલિકોપ્ટર સ્ટેન્ડબાય પર
‘બિપોરજોય’ વાવઝોડું સૌરાષ્ટ્રના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. કોસ્ટગાર્ડ દ્વારા રાજકોટ એરપોર્ટ ખાતે 2 હેલિકોપ્ટરને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.
13,14,15 ભારે વરસાદની આગાહી
13મી જૂને નવસારી, વલસાડ, સુરત, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જુનાગઢ, પોરબંદર, રાજકોટ, દીવમાં વરસાદ થવાનું અનુમાન છે.14 જૂને દમણ, દાદરાનગર હવેલી, અમદાવાદ, આણંદ, ગાંધીનગર, પાટણ, કચ્છ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાનો વર્તારો છે. તો 15 જૂને દમણ, દાદરાનગર હવેલી, અમદાવાદ, આણંદ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં વરસાદ થવાની સંભાવના છે.
કલતક 24 ન્યૂઝ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતનું નંબર 1 ગુજરાતી ન્યૂઝ પોર્ટલ એટલે કલતક 24 ન્યૂઝ (KalTak 24 News) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો કલતક 24 ન્યૂઝ પર.લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ..
તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો
નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ