ગુજરાતમાં સરકારી ભરતીની પરીક્ષાઓમાં ગેરરીતિનો આરોપ લગાવનાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને ગાંધીનગર કોર્ટ તરફથી રાહત મળી છે. પોલીસ પર કાર ચડાવી દેવાના તેમજ ફરજમાં રૂકાવટના ગુનામાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ યુવરાજસિંહને ગાંધીનગરની કોર્ટે શરતી જામીન આપ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, જેલમાં ધકેલાયા યુવરાજસિંહ સામેના કેસમાં ગઈકાલે ગાંધીનગરની કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ હતી. જેમાં યુવરાજસિંહના વકીલે પોલીસે ખોટો કેસ કર્યો હોવાથી યુવરાજસિંહને જામીન આપવા માટે દલીલો કરી હતી. બીજી તરફ સરકારી વકીલે પણ પોતાનો પક્ષ રજૂ કરીને યુવરાજસિંહના જામીન ના મળે તે માટે ઉગ્ર રજૂઆત કરી હતી.
જે બાદ આજે ગાંધીનગરની કોર્ટે યુવરાજસિંહને શરતી જામીન આપ્યા છે. જામીનની શરતોમાં જણાવ્યા પ્રમાણે, ચાર્જશીટ ફાઈલ ના થાય, ત્યાં સુધી યુવરાજસિંહના ગાંધીનગરમાં પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. આ સિવાય યુવરાજસિંહે 7 દિવસમાં પોતાનો પાસપોર્ટ જમા કરાવવાનો રહેશે.
શું છે સમગ્ર મામલો?
થોડા દિવસ પહેલા ગાંધીનગરમાં સચિવાલય ગેટ પાસે રસ્તો બ્લોક કરીને બેઠેલા 55 જેટલા વિદ્યા સહાયકોની પોલીસે અટકાયત કરી હતી. તેઓને પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલ તાલીમ કેન્દ્રમાં રાખી પોલીસ કાયદેસરની કાર્યવાહી કરતી હતી. આ દરમિયાન યુવરાજસિંહ જાડેજા અને તેની સાથે દિપક ઝાલા નામનો શખસ આવ્યો હતો.
યુવરાજે તાલીમ કેન્દ્રમાં રાખેલા વિદ્યા સહાયકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ સમયે પોલીસ દ્વારા તેને વિદ્યા સહાયકો વિરુદ્ધ પોલીસ કાર્યવાહી ચાલતી હોય દખલ નહી કરવા જણાવ્યુ હતું. આમ છતાં યુવરાજે ઉશ્કેરાઇને પોલીસ પર હુમલો કર્યો હતો. જે બાદ અન્ય પોલીસ કર્મચારીઓ આવી જતા યુવરાજને પકડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે તેણે પોલીસને ધક્કો મારીને ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. યુવરાજ પોતાની જે ગાડી લઇને હેડક્વાર્ટર આવ્યો હતો તે લઇને ભાગવા જતા પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેણે ઉભા રહેવાના બદલે પોલીસ પર પોતાની ગાડી ચડાવી દીધી હતી.
આ બનાવમાં યુવરાજને અટકાવવાનો પ્રયાસ કરનાર પોલીસ કર્મચારીને ગાડીના બોનેટ પર ચડાવી ઢસડવામાં આવ્યો હતો. આથી પોલીસે યુવરાજસિંહ જાડેજા અને તેની સાથે આવેલા દિપક ઝાલા નામના શખ્સ સામે ફરજમાં રુકાવટ અને પોલીસ પર હુમલો કરી ગાડી ચડાવી દઇ હત્યાનો પ્રયાસ કરવા મામલે સેક્ટર-21 પોલીસ મથકમાં ફરિયાદ નોંધીને ધરપકડ કરી હતી.