● દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ ૪૫૬ પ્રજાતિઓ જયારે કચ્છમાં સૌથી વધુ ૪.૫૬ લાખથી વધુ પક્ષીઓ જોવા મળ્યા
● સૌથી વધુ ૩.૬૨ લાખથી વધુ પક્ષીઓ સાથે નળ સરોવર બન્યું ‘હોટસ્પોટ’
● સર્વેક્ષણ દરમિયાન ૩૦૦થી વધુ પક્ષી પ્રજાતિઓનું દસ્તાવેજીકરણ કરાયું
● ગુજરાત ૫૦ હજારથી પણ વધુ સ્થાનિક તથા યાયાવર- વિદેશી પક્ષીઓના હોટસ્પોટ તરીકે જાણીતું
KalTak24 ન્યૂઝ ડેસ્ક/ગાંધીનગર: ગુજરાતમાં વન વિભાગ દ્વારા તૈયાર કરાયેલા ‘બર્ડ ડાયવર્સિટી રિપોર્ટ: ૨૦૨૩-૨૪’ને જાહેર કરતાં વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં ટેકનોલોજી, રોજગારી, રોકાણ, પ્રવાસન, પર્યાવરણ, વન્ય જીવ સંરક્ષણ અને સુરક્ષા સહિત અનેક ક્ષેત્રે ગુજરાત અગ્રેસર રહ્યું છે ત્યારે અંદાજિત ૧૮ થી ૨૦ લાખની વિવિધ પક્ષી વસ્તી સાથે ગુજરાત સાચા અર્થમાં ‘પક્ષી જીવન’ માટે પણ સમગ્ર દેશમાં સ્વર્ગ તરીકે ઉભરી આવ્યું છે.
મંત્રી શ્રી મુળુભાઈએ રિપોર્ટ અંગે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે,ગુજરાત સહિત ભારતભરમાં આગામી તા. ૨ થી ૮ ઓક્ટોબર દરમિયાન ‘વન્ય જીવ સંરક્ષણ’ સપ્તાહ ઉજવવામાં આવી રહ્યું છે, ત્યારે રાજ્યમાં સાચા અર્થમાં વન્ય જીવોનું સંરક્ષણ અને સંવર્ધન થઈ રહ્યું છે.પશુ-પક્ષીઓની વિશેષ સાર સંભાળ- કાળજી માટે રાજય સરકાર દ્વારા ‘કરુણા અભિયાન’, પશુ હેલ્પલાઇન- ટોલ ફ્રી નંબર અને પશુઓનું ફરતું દવાખાનું સહિત અનેકવિધ નવીન સેવા પ્રકલ્પો શરૂ કરવામાં આવ્યા છે
ધાર્મિક અને પ્રવાસન ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતા દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ ૪૫૬ પક્ષી પ્રજાતિઓની વિવિધતા નોંધાઈ છે જયારે સરહદી કચ્છ જિલ્લામાં ૧૬૧ પ્રજાતિઓના ૪.૫૬ લાખ જેટલા પક્ષીઓ જોવા મળ્યા છે. આ સાથે જામનગર, મહેસાણા, બનાસકાંઠા તેમજ અમદાવાદ એ પક્ષી જગતમાં નોંધપાત્ર ફાળો આપે છે જે ગુજરાત માટે પક્ષી જીવનનો અતુલ્ય વારસો દર્શાવે છે.
ભારતના પશ્ચિમી ભાગોમાં વસેલું, ગુજરાત તેની વિવિધ ઇકોસિસ્ટમ્સ- પક્ષીઓની વિવિધતા દેશભરના પક્ષીવિદો- પ્રેમીઓને આકર્ષિત કરે છે તેમ, જણાવી વન મંત્રીશ્રીએ કહ્યું હતું કે, કચ્છના મનમોહક રણથી લઈને લીલાછમ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન સુધીના લેન્ડસ્કેપ્સના સ્પેક્ટ્રમમાં વિખરાયેલા છે. કચ્છના રણના વિશાળ મીઠાના ફ્લેટ્સ, સ્થળાંતર ઋતુ દરમિયાન હજારો ગ્રેટર ફ્લેમિંગોના આગમનના સાક્ષી બને છે જે સફેદ રણને ગુલાબી રંગમાં પરિવર્તિત કરે છે. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલની નેતૃત્વ વાળી સરકાર પક્ષી-પ્રાણી સંરક્ષણ અને સંવર્ધનને વિશેષ પ્રાધાન્ય આપી રહી છે જેના ભાગ રૂપે ગુજરાતમાં સ્થિત નળ સરોવર, નડા બેટ, બોરીયા બેટ, થોળ વગેરે જેવા સ્થળો અંદાજે ૫૦ હજારથી પણ વધુ સ્થાનિકો તથા યાયાવર એટલે કે વિદેશી પક્ષીઓના ‘હોટસ્પોટ’ તરીકે જાણીતા થયા છે તેમ, તેમણે ઉમેર્યું હતું.
વન મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગુજરાત પ્રતિ વર્ષ શિયાળામાં, યાયાવર એવા ‘બાર-હેડેડ’ હંસનું સ્વાગત કરે છે. આ અદ્દભૂત પક્ષીઓ ૭,૦૦૦ મીટરથી વધુની ઊંચાઈએ ‘હિમાલય’ પરથી પ્રવાસ શરૂ કરે છે અને શિયાળાની ઠંડીથી બચવા માટે ગુજરાતની ભૂમિને તેમનું હંગામી આશ્રયસ્થાન- ઘર બનાવે છે. જામનગરની આબોહવા ‘માર્શ ફ્લેમિંગો’, ‘પેલિકન’ અને ‘ક્રેન્સ’ને આવકારે છે એવી જ રીતે, ગુજરાતના દરિયાકિનારે મેન્ગ્રોવ ઇકોસિસ્ટમ સ્થાનિક અને યાયાવર પક્ષીઓ બંને માટે ટકાઉ વાતાવરણ પૂરું પાડીને સમૃદ્ધ પક્ષી જૈવવિવિધતામાં વધારો પણ કરે છે.
વન મંત્રી શ્રી મુળુભાઈએ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પક્ષીઓની આંકડાકીય વિગતો આપતા જણાવ્યું હતું કે, જામનગર વિવિધ ૨૨૧ પ્રજાતિઓની સાથે ૪ લાખથી વધુ પક્ષીઓની સંખ્યા ધરાવે છે. અમદાવાદ પણ રાજ્યના પક્ષી જીવનમાં નોંધપાત્ર યોગદાન આપે છે. જેમાં ૩.૬૫ લાખથી વધુ પક્ષીઓની વસ્તી સાથે ૨૫૦થી વધુ વિવિધ પ્રજાતિઓ હોવાનું ગૌરવ અમદાવાદ ધરાવે છે. સરહદી એવા નડા બેટ વેટલેન્ડ કોમ્પ્લેક્સમાં એક લાખ કરતા વધુ પક્ષીઓ વસે છે. ‘રામસર સાઈટ’ની વાત કરીએ તો કચ્છના છારી ઢંઢની કુલ ૨૨,૭૦૦ હેક્ટર જમીનમાં ૧૫૦થી વધુ પ્રજાતિઓના ૩૦,૦૦૦ થી વધુ પક્ષીઓ માટે સુરક્ષિત નિવાસ્થાન સાબિત થયું છે. આજ રીતે, પોરબંદરમાં આવેલી મોકરસાગર ‘રામસર સાઈટ’ ૧૦૦થી વધુ પ્રજાતિઓના અંદાજે ૩૦,૦૦૦ પક્ષીઓનું નિવાસ્થાન બન્યું છે.
ગુજરાતના વિવિધ જિલ્લાઓની પક્ષી ગણતરીની વિગતો (અંદાજે)
જિલ્લો પ્રજાતિઓની ગણતરી પક્ષીઓની ગણતરી
¤ કચ્છ ૧૬૧ ૪,૫૬,૮૮૧
¤ જામનગર ૨૨૧ ૪,૧૧,૫૫૨
¤ અમદાવાદ ૨૫૬ ૩,૬૫,૧૩૪
¤ બનાસકાંઠા ૧૦૩ ૧,૭૩,૮૮૧
¤ મહેસાણા ૧૯૦ ૧,૧૧,૬૧૧
¤ ભાવનગર ૧૯૪ ૭૨,૭૩૦
¤ દેવભૂમિ દ્વારકા ૪૫૬ ૪૭,૦૧૩
¤ વડોદરા ૧૨૮ ૨૯,૮૪૯
¤ ગીર સોમનાથ ૮૦ ૨૩,૨૨૪
¤ પાટણ ૭૧ ૨૧,૫૩૭
¤ સુરેન્દ્રનગર ૧૦૭ ૧૮,૮૦૬
¤ ભરૂચ ૧૧૮ ૯,૪૩૧
¤ જુનાગઢ ૭૯ ૮,૯૦૭
¤ મહીસાગર ૬૪ ૭,૩૮૦
¤ ખેડા ૪૨ ૭,૨૯૭
¤ મોરબી ૬૬ ૫,૫૮૫
¤ પોરબંદર ૧૧૨ ૫,૪૫૯
¤ સાબરકાંઠા ૬૨ ૪,૬૩૫
¤ વલસાડ ૮૪ ૪,૪૩૦
¤ રાજકોટ ૬૩ ૪,૧૩૯
¤ નવસારી ૧૧૧ ૩,૧૧૬
¤ દાહોદ ૪૭ ૨,૪૫૦
¤ આણંદ ૫૩ ૧,૭૦૧
¤ બોટાદ ૨૯ ૧,૫૧૭
¤ સુરત ૧૦૨ ૧,૪૯૬
¤ નર્મદા ૪૪ ૫૫૬
વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલે રિપોર્ટ અંગે જણાવ્યું હતું કે, સ્થાનિક તથા યાયાવર પક્ષીઓના સર્વેક્ષણ માટે ગુજરાત વન વિભાગ દ્વારા eBird પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. જેના આધારે ગુજરાતમાં પક્ષી વિવિધતા સર્વેક્ષણની આંકડાકીય માહિતી પ્લેટફોર્મ પર નિયમિત અપલોડ કરવામાં આવે છે. આ સર્વેક્ષણમાં વિવિધ પ્રદેશો, જળાશયો અને રામસર સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સર્વેક્ષણમાં એનજીઓ, વિવિધ યુનિવર્સિટીઝ તેમજ વૈજ્ઞાનિકો-પક્ષીવિદોના સહયોગથી ડેટા તૈયાર કરવામાં આવે છે.
મંત્રીશ્રી મુકેશભાઈએ કહ્યું હતું કે, eBird પ્લેટફોર્મના અસરકારક ઉપયોગથી માહિતી સંગ્રહ અને વ્યવસ્થાપન કરી સર્વેક્ષણમાં ૩૯૮ eBird ચેકલિસ્ટમાંથી ડેટાનો ઉપયોગ કરીને ૩૦૦થી વધુ પક્ષીઓની પ્રજાતિઓનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે. આ વર્ગીકરણમાં સ્થાનિક, યાયાવર, નિવાસી-સ્થળાંતર પક્ષીઓનો અભ્યાસ કરી ડેટા તૈયાર કરવામાં આવે છે. જેમાં બનાસકાંઠા, જામનગર, કચ્છ, અમદાવાદ, પોરબંદર, સુરત, દેવભૂમિ દ્વારકા જેવા વિવિધ જિલ્લાઓમાં ૧૩ નજીકના જોખમી, ૪ જોખમમાં મૂકાયેલા, ૭ સંવેદનશીલ અને ૧ ગંભીર રીતે જોખમી જાતિઓનું અવલોકન કરવામાં આવ્યું હતું.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજ્યની ‘રામસર સાઇટ્સ’માં નળ સરોવર અને ખીજડિયા પક્ષી અભયારણ્ય મુખ્ય ભાગ ભજવે છે. પક્ષી ગણતરી દરમિયાન નળ સરોવર ખાતે પ્રભાવશાળી ૨૨૮ વિવિધ પક્ષીઓની પ્રજાતિઓનું તથા ખીજડિયા પક્ષી અભયારણ્યમાં ૨૦૦થી વધુ પ્રજાતિઓનું તલસ્પર્શી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.પક્ષીઓના ‘હોટસ્પોટ’ એવા નળ સરોવર ખાતે સૌથી વધુ ૩.૬૨ લાખથી વધુ પક્ષીઓ જ્યારે ખીજડિયામાં ૧.૫૦ લાખથી વધુ પક્ષીઓ નોંધાયા છે.
રાજ્યમાં ૫૦ હજારથી વધુ પક્ષીઓ ધરાવતા ‘હોટસ્પોટ’
હોટસ્પોટ
જિલ્લો અવલોકન કરાયેલ પક્ષીઓની સંખ્યા
¤ નળ સરોવર અમદાવાદ ૩,૬૨,૬૪૧
¤ તોરણીય-જોડિયા જામનગર ૧,૫૯,૩૩૧
¤ નડા બેટ વેટલેન્ડ કોમ્પ્લેક્ષ કચ્છ ૧,૪૫,૨૦૪
¤ થોળ મહેસાણા ૧,૧૧,૬૧૧
¤ નડા બેટ વેટલેન્ડ કોમ્પ્લેક્ષ બનાસકાંઠા ૧,૦૨,૦૨૦
¤ ઇન્ડિયા-પાકિસ્તાન બોર્ડર રોડ- કચ્છ કચ્છ ૯૦,૨૨૫
¤ બોરીયાબેટ કચ્છ ૮૧,૭૫૧
¤ INS વાલસુરા રોડ- જામનગર જામનગર ૭૩,૬૩૧
¤ નડા બેટ વેટલેન્ડ કોમ્પ્લેક્ષ- જગમલ બેટ ટાવર બનાસકાંઠા ૬૨,૭૧૪
આમ, ebird પ્લેટફોર્મ માત્ર ગુજરાતમાં જ નહિ પરંતુ સમગ્ર દેશમાં કાર્યરત છે. ભારત સહિત વૈશ્વિક સ્તરે પક્ષી સંવર્ધન, સંરક્ષણ અને જતન કરવાના ઉદ્દેશ્યથી અનેકવિધ નોંધપાત્ર પ્રયાસો ચાલી રહ્યા છે તેમ, મંત્રી શ્રી મુકેશભાઈએ વિગતો આપતા ઉમેર્યું હતું.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube