- સાળંગપુર ભીંત ચિત્રો વિવાદ મામલો
- હનુમાન ભક્તે ચિત્રો પર કાળો કલર લગાવ્યો
- ભીંત ચિત્રોમાં તોફફોડ કરવામાં આવી, બંદોબસ્ત ગોઠવાયો
Salangpur Controversy :સાળંગપુરમાં હનુમાનજીની ૫૪ ફૂટ ઊંચી પ્રતિમાની નીચેના ભીંત ચિત્રોને લઈને વિવાદ વકર્યો છે. એક બાદ એક હિન્દુ સંગઠનો તથા સંત સમાજના લોકો હવે સ્વામિનારાયણ સંપ્રદાયના વિરોધમાં સુર ઉઠાવી રહ્યા છે અને હનુમાન દાદાની સહજાનંદ સ્વામીના દાસ તરીકેના ભીંત ચિત્રોને હટાવવાની માંગ કરી રહ્યા છે. ત્યારે એક શખ્સ દ્વારા વિવાદિત ચિત્રો પર કાળો રંગ લગાવીને તોડફોડ કરવાની ઘટના સામે આવી રહી છે.
સાળંગપુરમાં વિવાદિત ભીંત ચિત્રો પર એક ભક્ત દ્વારા લાગણી દુભાતા કાળો કલર લગાવી દેવામાં આવ્યો હતો. આ બાદ પોતાની પાસે રહેલા હથિયારથી ચિત્રો પર હુમલો કરીને તોડ ફોડ કરવાનો પ્રયાસ કરે છે. સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
સાળંગપુર હનુમાનજી વિવાદિત ચિત્રો પર કોઈ અજાણ્યા હનુમાન ભક્ત દ્વારા કાળો કલર મારવામાં આવ્યો હતો. જેની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. કાળો કલર મારનાર કોણ વ્યક્તિ છે?, શું કારણ હતું તેની પોલીસે પૂછપરછ શરૂ કરી છે. હવે જે શખ્સની અટકાયત કરવામાં આવી છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ઘટનાની માહિતી મળતા ઉચ્ચ પોલીસ અધિકારી પણ સ્થળ પર પહોંચી ગયા છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
જે ભીંતચિત્રોને લઈને વિવાદ ઉભો થયો છે તેના પર રંગ લગાવનારી વ્યક્તિ કોણ છે અને તેણે શા માટે આ પગલું ભર્યું તે અંગે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. આજે શનિવાર છે ત્યારે મોટી સંખ્યામાં હનુમાનજીના દર્શન કરવા માટે ભક્તો અહીં પહોંચતા હોય છે, આવામાં એક વ્યક્તિ અહીં દર્શન કરવા આવી હતી તેણે આ કૃત્ય કર્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
કાળા રંગનું પોતું ભીંતચિત્રો પર ફેરવ્યા પછી આ શખ્સ દ્વારા ભીંતચિત્રો તોડવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. જેમાં આ વ્યક્તિના હાથમાં છડી જેવું હથિયાર હતું તેનાથી તેણે ભીંતચિત્રો પર ફટકા મારવાનું શરુ કર્યું હતું. આ શખ્સનું કૃત્ય જોઈને ત્યાં હાજર પોલીસકર્મીઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને શખ્સની અટકાયત કરી લીધી છે.પ્રાથમિક તપાસમાં ચારણકી ગામના હર્ષદ ગઢવીએ કલર લગાવ્યા હોવાનો આરોપ છે.
આ ઘટનાને લઈને સાળંગપુર મંદિર વહીવટી તંત્ર દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે જ મંદિરના પ્રાઈવેટ બાઉન્સર અને પોલીસ દ્વારા ભીત ચિત્રો બાજુમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ શખ્સ દ્વારા ભીંત ચિત્રોમાં કાળો રંગ ચોપડવાની સાથે જ તોડફોડ પણ કરવામાં આવી હતી.
ગાર્ડનમાંથી છૂપાઇને પ્રતિમા સુધી પહોંચ્યો
ઘટના અંગે બોટાદના SP કિશોર બળોલિયાએ જણાવ્યું હતું કે, હુમલાનો પ્રયાસ કરનારની હર્ષદ ગઢવી તરીકે ઓળખ થઇ છે. મંદિરમાં પોલીસ બંદોબસ્ત રાખેલો જ છે. પરંતુ જે રીતે મંદિરનું વિશાળ પરિસર છે અને બાજુમાં જ પાર્કિંગ અને ગાર્ડન પણ છે. હર્ષદ ગઢવી ગાર્ડનમાંથી છૂપાઇને હનુમાનજીની પ્રતિમા સુધી પહોંચી ગયો હતો. પોલીસે હર્ષદને મૂર્તિ પાસેથી ઝડપી લીધો હતો. હર્ષદ ગઢવી સાથે બીજુ કોણ-કોણ આવ્યું હતું અને ક્યા વાહનમાં આવ્યા હતા તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. સાળંગપુર મંદિર પ્રશાસન તરફથી ફરિયાદ આપવામાં આવશે એ રીતે વધુ કાર્યવાહી થશે.
સંવાદથી વિવાદ ઉકેલવો જોઇએ
SP કિશોર બળોલિયાએ ઉમેર્યું કે, છેલ્લા બે દિવસથી આ વિવાદ ચાલી રહ્યો છે. કોઇ પણ વિવાદ હોય તો તેનો સંવાદથી પણ ઉકેલ આવી શકે છે. જે કોઇ લોકોને ભીંતચિત્રો મુદ્દે વિરોધ હોય તેનો મંદિર પ્રશાસન સાથે ચર્ચા કરી નિવેડો લાવવો જોઇએ. કોઇપણ વ્યક્તિ આ રીતે કાયદો હાથમાં લે એ વાજબી નથી. અહીં રજાના દિવસોમાં ઘણા દર્શનાર્થીઓ આવતા હોય છે. હાલમાં આ વિવાદને લઇને PI સહિત 75 પોલીસ જવાનનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube