Amreli News: સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં દીપડાનો આતંક યથાવત છે. મળતી જાણકારી અનુસાર, અમરેલી જિલ્લાના તરકતળાવ ગામમાં દીપડાના હુમલામાં એક સાત વર્ષીય બાળકનું મોત થયુ હતું. મૃતક બાળકનો પરિવાર ખેતરમાં મજૂરી કરે છે. દીપડાએ બાળક પર હુમલો કરતા પરિવારજનો દોડી આવ્યા અને બૂમાબૂમ કરી હતી. લોકો એકઠા થઇ જતા દીપડો ભાગી ગયો હતો પરંતુ પરિવારજનો બાળકને બચાવી શક્યા નહોતા. ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી અને દીપડાને પકડવા કામગીરી શરૂ કરી હતી.
7 વર્ષના બાળકને લઈને ભાગ્યો દીપડો
મળતી માહિતી અનુસાર, અમરેલી તાલુકાના તળાવ ગામ નજીક આવેલા રમણીકભાઈ પોપટભાઈ દેવાણીના ખેતરમાં અચાનક દીપડો આવી ચડ્યો હતો અને ખેત મજૂર પરિવારના 7 વર્ષના બાળક અમિત જંગલાભાઈ માંડલીયાને દબોચી લીધો હતો. જે બાદ દીપડો બાળકને લઈને ભાગ્યો હતો. જોકે, બાળકના પરિવારજનો બૂમાબૂમ કરવા લાગતા દીપડો બાળકને લોહિયાળ હાલતમાં જ છોડીને નાસી છૂટ્યો હતો.
બાળકનું મોત થતાં પરિવારમાં શોક
આ અંગેની જાણ થતાં આસપાસના ખેતરમાંથી ખેડૂતો દોડી આવ્યા હતા અને બાળકને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં ડોક્ટરે અમિતને મૃત જાહેર કર્યો હતો. રમણીકભાઈના ખેતરમાં ખેતમજૂરી કરતા મધ્ય પ્રદેશના પરિવારના બાળકનું મોત થતાં પરિવારમાં શોક છવાયો હતો.
પરિવારજનો પાછળ દોડતા દીપડો ભાગી ગયો
મૃતકના સગા સુનિલભાઈએ જણાવ્યું હતું કે, અમે ખેતરમાં ગયા હતા, ત્યારે આ બાળક પાણી ભરવા ગયો હતો. જે સમયે દીપડો આવી જતા બાળકને ફાડી નાખ્યો હતો. બાળક બૂમાબૂમ કરવા લાગ્યો હતો. તેમજ પરિવારજનો પાછળ દોડતા દીપડો બાળકને છોડીને ભાગી ગયો હતો. બાળકને હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. જોકે, તેનું મોત થયું છે.
અમરેલી એસીએફ મુનાફ શેખે જણાવ્યું હતું કે મધ્યપ્રદેશથી ખેતીનુ કામ કરતા પરિવારના સાત વર્ષીય બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. દીપડો બાળકને પકડીને લઇ જતા તેના માતા પિતા તેની પાછળ દોડ્યા હતા. દીપડાએ 50 મીટર સુધી બાળકને ઢસડ્યો હતો. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઇ જવાયો હતો.
વન વિભાગના અધિકારીઓ થયા દોડતા
આ અંગેની જાણ થતાં વન વિભાગની ટીમ પણ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને પરિવારજનોના નિવેદનો લીધા હતા. જે બાદ અમરેલી ડિવિઝનના ઈન્ચાર્જ IFS સદીક મુંજવારની સૂચનાથી વન વિભાગના અધિકારીઓ અલગ-અલગ પાંજરાઓ ગોઠવી દીપડાને પકડવાની કવાયત હાથ ધરાઇ હતી.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube